હુમલાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો:વેરાવળમાં શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસે બોટ સાથે ઝડપી પાડ્યા; મોકડ્રિલ હોવાનું જાહેર થતા રાહતનો શ્વાસ લીધો

ગીર સોમનાથ (વેરાવળ)3 મહિનો પહેલા

ગતરાત્રીના દરીયાઇ માર્ગે વેરાવળ બંદર જેટી ઉપર હુમલો કરવા આવી રહેલા એક શંકાસ્પદ માણસો સાથેની બોટને SOG અને સ્થાનીક પોલીસની ટીમે દરીયામાં પેટ્રોલીંગ દરમિયાન ઝડપી લઈ કાંઠે લઈ આવી તપાસ હાથ ધરી હતી. જેમાં શંકાસ્પદ બોટ અને તેમાં રહેલા વ્યક્તિઓ રેડ ફોર્સની ટીમના સભ્યો હોય અને મોકડ્રિલના ભાગરૂપે એટેક કરવા આવ્યાં હોવાની હકીકત સામે આવતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

દરીયાઇ બોટ કે અન્ય વાહન મારફતે એટેક કરવાનો પ્રયાસ
રાજ્યના લાંબા દરીયા કિનારાની સુરક્ષાની ચકાસણી માટે સી વિજીલ-2022 મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મોકડ્રીલ કવાયતમાં કોસ્ટલ સિક્યુરીટી વ્યવસ્થાને હાઇએલર્ટ ઉપર રાખી પોલીસ ઉપરાંત ઇન્ડીયન નેવી, કસ્ટમ, કોસ્ટગાર્ડ, જી.એમ.બી અને ફીશરીઝ વગેરે એજન્સીઓ ભાગ લે છે. આ કવાયતમાં રેડફોર્સની ફરજમાં રહેલા અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા રાજ્યના લાંબા દરીયા કિનારા પર આવેલા અગત્યના સરકારી સંસ્થાનો, ધાર્મિક સ્થળો, અધૌગીક એકમો સહિતના કોઇપણ સ્થળે દરીયાઇ બોટ કે અન્ય વાહન મારફતે એટેક કરવાનો પ્રયાસ કરે છે.

મોકડ્રિલ હોવાનું જાહેર થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો
ત્યારે આ કવાયત બે દિવસથી ચાલી રહી હતી. દરમિયાન ગતરાત્રીના સમયે વેરાવળના દરિયામાં એક શંકાસ્પદ માણસો સાથેની બોટ ફરી રહી હતી. એ સમયે દરીયામાં સોમનાથ મરીનની સરકારી સ્પીડ બોટમાં SOGના પીઆઈ એ.બી. જાડેજા, પીએસઆઈ કે.ડી. કરમટા, વેરાવળ પીઆઈ એસ.એમ. ઈશરાણી સ્ટાફ સાથે દરીયામાં પેટ્રોલીંગ કરી રહેલા અને તેઓની નજર શંકાસ્પદ બોટ ઉપર પડતા જ તુરંત તેનો પીછો કરીને પકડી પાડ્યા હતા. ત્યારબાદ કિનારા ઉપર લાવવામાં આવી ચેકીંગ હાથ ધરીને તેમા રહેલ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરતા ઇન્ડીયન નેવી તથા કોસ્ટગાર્ડના રેડફોર્સનો સ્ટાફ હોવાનું અને તેઓ વેરાવળ બંદર જેટી ઉપર એટેક કરવાના પ્લાન સાથે આવેલા હોવાનું જાણવા મળેલું હતુ. આ કવાયત મોકડ્રિલ હોવાનું અંતે જાહેર થતા સુરક્ષા એજન્સી અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. તો દરીયાઇ સુરક્ષા અંગે ગીર સોમનાથ પોલીસ તંત્ર સાબદુ અને સતર્ક હોવાની પ્રતિતિ પોલીસ સ્ટાફે કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...