તંત્રના વાંકે વિદ્યાર્થીઓને હાલાકી:વેરાવળ-સોમનાથ પંથકમાં એસટી બસો અનિયમિત અને સ્ટોપ ન કરતી હોવાના મુદ્દે વિદ્યાર્થીઓમાં રોષ; બસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો

ગીર સોમનાથ (વેરાવળ)18 દિવસ પહેલા

વેરાવળ સોમનાથ પંથકમાં એસટી બસના અનિયમિત રૂટો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે બસ સ્ટોપો ઉપર બસ ઉભી ન રહેતી હોવાને લઈ આજે વેરાવળ બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને બસને અંદર પ્રવેશતી રોકી અટકાવી દીધી હતી. જેના પગલે પોલીસ સ્ટાફએ દોડી જઈ મધ્યસ્થી કરતા સ્થળ ઉપર આવેલ એસટીના અધિકારીઓ સમક્ષ વિદ્યાર્થીઓએ હૈયાવરાળ ઠાલવેલી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી.

વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ મળતી ન હોવાથી હોબાળો
વેરાવળ સોમનાથ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ મળતી ન હોવાથી તેમજ અમુક સ્થળોએ બસ સ્ટોપ ન કરતી હોવાથી મુશ્કેલી સાથે હેરાનગતિ સહન કરવી પડી રહી હતી. જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે બપોરે વેરાવળ બસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને પ્રવેશવાના ગેઈટ પાસે હોબાળો મચાવીને બહારથી આવતી બસોને અંદર પ્રવેશતી અટકાવી હતી. આ તકે વિદ્યાર્થીઓએ એસટી તંત્ર હાય હાયના સૂત્રોચ્ચાર પોકારી રોષ પ્રદર્શિત કર્યો હતો.

એસટી બસ સ્ટેશન આસપાસના મુખ્ય માર્ગે ટ્રાફીકજામ થઈ ગયો
​​​​​​​બપોરના સમયે એકાએક વિફરેલા વિદ્યાર્થીઓના હોબળાના કારણે એસટી બસ સ્ટેશન આસપાસના મુખ્ય માર્ગે ટ્રાફીકજામ થઈ ગયો હતો. જેને લઈ પોલીસ સ્ટાફ ટ્રાફીક બ્રિગેડના જવાનો સાથે દોડી આવી પરિસ્થિતિ થાળે પાડવા સમજાવટ કરી રહ્યા હતા. જો કે ત્યારબાદ એસટીના અધિકારીઓ સ્થળ પર આવતા પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓએ સમસ્યાઓની ફરીયાદરૂપી વણઝાર વરસાવી હતી. આ તમામનો વ્હેલી તકે ઉકેલ લાવવા માંગ કરી હતી. જો હવે પણ એસટી બસોની અનિયમિતતા અને સ્ટોપના પ્રશ્નો યથાવત રહેશે. તો વિદ્યાર્થીઓને નાછૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે એસટીના અધિકારીઓએ ઘટતી કાર્યવાહી કરવા અંગે સમજાવટ કરી મામલો થાળે પાડતા વિદ્યાર્થીઓ શાંત પડ્યા હતા.

વિદ્યાર્થીઓને મુશ્કેલી અને હેરાનગતીનો સામનો કરવો પડે છે
આ તકે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વેરાવળથી 12 કિમી દુર આવેલા કિડીવાવ શૈક્ષણિક સંકુલમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે નિયમિત જાય છે અને ત્યાં સ્ટોપ હોવા છતાં એસટીના ડ્રાઇવરો મનસ્વી રીતે ત્યાં બસો રોકતા ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી અને હેરાનગતીનો સામનો કરવો પડવાની સાથે અભ્યાસ બગડવાની અને આર્થિક માર પણ પડે છે. જે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પરવડે તેમ ન હોવાથી આ બાબતે ઘટતુ થવું જોઈએ એવી માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...