કોડીનારમાં તસ્કરો ઝડપાયા:ખેતરોમાં બંધ રહેતા મકાનોને નિશાન બનાવી ખેતીવાડીના માલ-સામાનની ચોરી કરતા; બે માસથી ગ્રામ્ય વિસ્તારને ઘમરોળી રહ્યા હતા

ગીર સોમનાથ (વેરાવળ)4 દિવસ પહેલા
  • પોલીસે બંન્ને પાસેથી પોણો લાખની કિંમતના ભંગાર સહિત દોઢ લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં આવેલ ખેતરોના મકાનોને નિશાન બનાવી ખેતીવાડીના સાધનોની ચોરી કરતી તસ્કર બેલડીને LCBની ટીમે બાતમીના આધારે રીક્ષા, ભંગાર સહિત દોઢ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે. આ તસ્કર બેલડીએ છેલ્લા બે મહિનામાં ચાર ખેડુતોના ખેતરોમાં આવેલ ઘરોમાં ખાતર પાડી ચોરી કરી હોવાની કબુલાત આપતા ચારેય અણઉકેલ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

LCBની ટીમ ઘણા દિવસથી આરોપીઓને શોધતી હતી
છેલ્લા થોડા મહિનાઓથી જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં આવેલા ખેતરોના મકાનમાં ચોરીની ઘટનાઓ વધી હોવાથી ખેડુતો અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા હતા. આ બાબતે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી LCB ની ટીમ કોડીનાર વિસ્તારમાં ધામા નાંખી તપાસ કરી રહી હતી. દરમિયાન સ્ટાફને મળેલ બાતમીના આધારે ટીમના નરેન્દ્ર કછોટ, શૈલેષભાઈ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, ઉદયસિંહ સોલંકી, સંદિપસિંહ ઝણકાટએ કોડીનાર બાયપાસ રોડ ઉપરથી પસાર થઈ પીયાગો રીક્ષામાં સવાર (1) મુકેશ મુળજી વાધેલા રહે.સત્યમ સોસાયટી, કોડીનાર, (2) તુષાર બાબુ સોલંકી રહે.સેઢાયા-કોડીનાર વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાત્રીના સમયે બંધ મકાનમાં ત્રાટકતા​​​​​​​
આ અંગે LCB પીએસઆઈ કે.જે.ચૌહાણએ જણાવેલ કે, પકડાયેલ બંન્ને શખ્સો પાસેથી 75 હજારની કિંમતનો ભંગારનો મુદામાલ મળી આવ્યો હતો. જે અંગે તેઓની.પુછપરછ કરતા બંન્ને છેલ્લા બેએક માસથી કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે આંટાફેરા કરતા ત્યારે જ્યાં ખેતરોમાં ખેડુતોના મકાન બંધ દેખાય ત્યાં તાળા તોડીને અંદરથી ખેતીવાડીના માલ સામાનની ચોરી કરતા હતા. બાદમાં ચોરી કરેલ માલ સામાન ભંગારવાળાને વહેંચી દેતા હતા. આ બંન્નેએ ચાર ખેડુતોના બંધ મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપેલ હતી. જે ચારેય ફરીયાદો કોડીનાર પોલીસમાં નોંધાયેલ હતી જેનો ભેદ ઉકેલાયો છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...