લોકો અલગ અલગ પ્રકારનાં ધ્યેય રાખે છે. જ્યાં કોઈને સારી નોકરી કરવા માટે વધારે મહેનત કરવાનું ધ્યેય હોય છે, તો કોઈનું નોકરીમાં સારું કામ કરી ઊંચું પદ હાંસલ કરવાનું ધ્યેય હોય છે. ત્યારે મોટા ભાગે લોકો ધંધા કે નોકરીમાંથી નિવૃત્તિ થયા પછીના સમયમાં તીર્થયાત્રાએ જતા હોય છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રહેતો રોહિત રાય નામનો યુવક અનોખા વિચાર સાથે દેશભરમાં આવેલાં બાર જ્યોતિર્લિંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોની તીર્થયાત્રા કરવા માટે સાઇકલ ઉપર તેના વતન ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી સવાર થઈને નીકળ્યો છે. રોહિત એવું ઈચ્છે છે કે પોતે પગભર બની નોકરી પર ચડે એ પહેલાં હિન્દુ સંસ્કૃતિને જાણે. તે 24 દિવસ સાઇકલ ઉપર પ્રવાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામમાં પહોંચ્યો છે. ત્યારે તેણે તેની ઈચ્છા વિશે શું ક્હ્યું? આવો જાણીએ...
મંદિરોમાં દર્શન કરવા અર્થે સાઇકલ યાત્રાએ નીકળ્યો છે
હિન્દુ સંસ્કૃતિની વિરાસતો જોવા અને જાણવા માટે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદનો યુવાન દેશભરમાં જુદાં જુદાં સ્થળોએ આવેલાં બાર જ્યોતિર્લિંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોમાં દર્શન કરવા અર્થે સાઇકલ યાત્રાએ નીકળ્યો છે. તે 1700 કિમીનું અંતર કાપીને હાલ ઉત્તરપ્રદેશથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે પહોંચ્યો છે. તેનું કહેવું છે કે 'હું પગભર બનવા નોકરી ઉપર ચડું એ પહેલાં આપણી હિન્દુ સંસ્કૃતિને જાણવાની ઈચ્છા પૂરી કરીશ,' જે અર્થે સાઇકલ યાત્રાએ નીકળ્યો છે.
તે આ યાત્રા શું કામ અને કયા કારણસર કરી રહ્યો છે?
આ યાત્રા વિશે વાત કરતાં રોહિત રાય જણાવે છે કે, હું પગભર બનવા માટે નોકરી ઉપર ચડું તે પહેલાં આપણી હિન્દુ સંસ્કૃતિનું કલ્ચર જાણવાની ઈચ્છા પૂરી કરવા માટે દેશભ્રમણ માટે સાઇકલ ઉપર નીકળ્યો છું. આ યાત્રા ગાઝિયાબાદથી શરૂ કરીને ગુજરાતના પ્રખ્યાત તીર્થ સ્થાન દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરીને 24 દિવસ સાઇકલ ઉપર પ્રવાસ કરીને યાત્રાધામ સોમનાથ પહોંચ્યો છું. આગામી દિવસોમાં દેશભરમાં અન્ય જ્યોતિર્લિંગ મંદિરો અને પ્રમુખ તીર્થ મંદિરોની મુલાકાતે સાઇકલ ઉપર જઈશ. મારી આ યાત્રા સાતથી આઠ મહિના સુધી ચાલશે. જેમાં દસેક હજાર કિમીનો તીર્થયાત્રાનો પ્રવાસ સાઇકલ ઉપર જ કરીશ.
'હું 24 દિવસમાં 1700 કિમીનો પ્રવાસ કરી ચૂક્યો છું'
વધુમાં રોહિતએ જણાવેલ કે, હું સાઇકલ યાત્રા દરમિયાન મંદિર આસપાસની ધર્મશાળાઓમાં રોકાણ કરી ત્યાં જ ખાવા-પીવાનું રાખું છું અને ક્યાંય હોટલમાં રોકાણ કરતો નથી. અહીં સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરતા મનને શાંતિ થવાની સાથે અલોકિક અનુભૂતિનો અહેસાસ થયો છે. મારી યાત્રાની શરૂઆતથી આજ સુધીના 24 દિવસમાં 1700 કિમીનો પ્રવાસ સાઇકલ ઉપર કરી ચૂક્યો છું. આ સફર દરમિયાન ઘણું બધું મને જોવા અને જાણવા મળ્યું છે.
સોમનાથ મહાદેવનાં દર્શન કરવાની એટલી મજા આવી કે મેં બેથી ત્રણ વાર દર્શન કર્યાં. જ્યાં ત્રીજી વારમાં મેં બધાને આગળ જવા દીધા અને શાંતિથી લાઈનમાં ઊભો રહી દર્શનનો અનેરો લાભ લીધો.
'450 કિમીની પદયાત્રા કરીને કેદારનાથ પણ ગયો છું'
દેશના યુવાઓને અપીલ કરતા રોહિતે જણાવ્યું હતું કે, બીચનો લાહવો લેવા ગોવા જતા યુવાઓ યાત્રાધામ સોમનાથ આવશે તો અહીં તેઓને બીચની સાથે યાત્રાધામમાં ભગવાનનાં દર્શનનો બેવડો લાહવો પ્રાપ્ત થશે. હું થિયેટરમાં જતો નથી અને તેવી પ્રવૃત્તિ પાછળ થતા ખર્ચાઓ બચાવીને તીર્થયાત્રા કરું છું. ત્યારે મારા જેવા દેશના યુવાઓ આવું કરે તેવી મારી લોકોને નમ્ર અપીલ છે. અગાઉ હું આવી રીતે 450 કિમીની પદયાત્રા કરીને ગાઝિયાબાદથી કેદારનાથ મહાદેવના ધામ પણ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.