આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.13 થી 15 ઓગષ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા'ની ઉજવણી થવાની છે. આ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી હતી. જેમાં દેશભક્તિના ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવા સૂચન કર્યુ હતુ. તો જિલ્લામાં 1.80 લાખથી વધુ ધ્વજોનું કઈ રીતે વિતરણ થશે જેનાથી માહિતગાર થઈ જરુરી માર્ગદર્શન આપ્યુ હતું.
લોકોને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી
સોમનાથ ખાતે યોજાયેલ બેઠકમાં પ્રભારી મંત્રી રૈયાણીએ જણાવેલ કે, સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના લોકો દેશપ્રેમ વ્યક્ત કરી સક્રિય રીતે ભાગ ઉજવણીમાં જોડાઈ તેવું આયોજન કરવું. આજનું બાળક દેશનું ભવિષ્ય છે. જેનામાં પહેલાથી જ દેશભાવનાનો સંચાર થાય અને લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ બને તે માટેનો આ કાર્યક્રમ છે. આ ઉપરાંત 1947 પૂર્વે અને પછીની ઘટનાઓ વિશે લોકો માહિતગાર થાય તથા દેશના વીર સપૂતો જેમણે દેશને આઝાદ કરવા માટે બલિદાન આપ્યું છે. તેવા શહીદો વિશે જાણકારી ધરાવે તેવા કાર્યક્રમનું આયોજન કરવું તેમન મશાલ રેલી જેવા કાર્યક્રમો કરવાનું સૂચન કર્યુ હતુ. ’હર ઘર તિરંગા’ અભિયાનમાં જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વેપારી મંડળો, હોટલો, શાળાઓ, જિલ્લાના વિવિધ એસોસિએશનો, મહિલા મંડળો, ઔદ્યોગિક એકમો, સહકારી મંડળીઓ સક્રિય રીતે ઉત્સાહપૂર્વક જોડાય તેવી અપીલ કરી હતી.
30 હજાર રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે
જિલ્લામાં તૈયારીઓની વિગત અંગે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે કહેલ કે, આ કાર્યક્રમ યોજવાનો હેતુ દેશ માટેનો સમર્પણ ભાવ વ્યક્ત કરવાનો છે. જિલ્લામાં અંદાજીત 1.80 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતને મળેલ 45,000 ધ્વજનું વિતરણ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે નગરપાલિકા વિસ્તાર માટે 30,000 રાષ્ટ્રધ્વજ વિતરણ કરવાનું આયોજન છે. ડીડીઓ રવિન્દ્ર ખતાલેએ વિતરણ વ્યવસ્થા અંગે માહિતી આપતા કહેલ કે, તાલુકા-ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક શાળાઓ, સસ્તા અનાજની દુકાનો, દૂધ મંડળીઓ, આંગણવાડી કેન્દ્રો અને એપીએમસીમાંથી તેમજ જિલ્લાના ઉદ્યોગો મારફત કર્મચારીઓને ધ્વજ વિતરણ કરવાનું આયોજન કરાયેલ છે.
આ બેઠકમાં પુર્વમંત્રી જશાભાઈ બારડ, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, રાજશીભાઈ જોટવા, પાલિકા પ્રમુખ પીયુષ ફોફંડી, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર બી.વી.લીંબાસીયા સહિત સંબંધિત વિવિધ વિભાગના જિલ્લાના અધિકારીઓ તેમજ અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.