તાલાલા તાલુકાના માલજીંજવા ગીર ગામે જમીન ખાલી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક જ પરિવારના 6 લોકોએ લાકડીના ધોકાથી પાડોશમાં રહેતા એક પરીવારના સભ્યો ઉપર હીંચકારો હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા જુનાગઢ રીફર કરવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે પીડિત પરિવારે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રણેયને સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવાયા
આ હુમલાની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, તાલાલાના માલજીંજવા ગીર ગામના ભગવાન વિક્રમભાઈ સોલંકી ઉ.વ.55 તથા તેમના પત્ની સોનાબેન અને પુત્રી જીવતીબેન તેમના ખેતરની વાડીના મકાનમાં હતા. ત્યારે બાજુની વાડીવાળા અરવિંદ નારણ તથા ગોપાલ નારણ તથા નારણ વિક્રમ તથા તેમની પત્નીઓ ભગવાનભાઈની વાડીએ અચાનક ઘસી આવીને જમીન ખાલી કરી બીજે રહેવા જતો રહે નહીંતર મારી નાખશું તેવી ધમકી આપી હતી. ત્યારે ભગવાનભાઈએ આ જમીન મારી છે જમીનમાંથી હું શું કામ ભાગી જાવ તેમ કહેતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ભગવાનભાઈ તેમના પત્ની અને પુત્રી ઉપર લાકડાના ધોકા તથા લાકડી વડે હીંચકારો હુમલો કર્યો હતો. જેમાં ત્રણેયને ઇજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે હોસ્પીટલએ લઈ જવાયા હતાં.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જ્યાં ભગવાનભાઈને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે પ્રથમ વેરાવળ અને ત્યાંથી જુનાગઢ રીફર કરવામાં આવ્યાં હતાં. આ ઘટના અંગે પોલીસે ભગવાનભાઈની ફરિયાદ લઈ અરવિંદ નારણ, ગોપાલ નારણ, નારણ વિક્રમ તથા તેમની પત્નીઓ સાજણ, કિરણ તથા ચેતના સામે મારામારી સહિતની આઇપીસી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ રાકેશ મારૂએ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.