ગીર સોમનાથ જિલ્લા અને જંગલ વિસ્તારમાં ગઈકાલે બપોર બાદ પડેલ ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાયજી ભગવાનનું મંદિર નદીના પાણીના પ્રવાહમાં ડુબી જતા ભગવાન માધવરાયજી 10 ફૂટ પાણીમાં જલમગ્ન થઈ ગયા છે. ચાલુ વર્ષે ગણતરીના દિવસોમાં પડેલ ભારે વરસાદથી મંદિર ત્રીજી વખત ડુબી ગયુ છે.
નાળાઓમાં ધસમસતા પાણી વહેતા જોવા મળ્યાં
ગઈકાલે સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ તમામ તાલુકાઓમાં વરસી રહ્યો હતો. જેમાં મોડી સાંજે જિલ્લાના ઉના, ગીરગઢડા, તાલાલા તથા ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે જંગલ વિસ્તારમાંથી શરૂ થતી અને નદીઓમાં જલસ્તર વધી ગયેલ તો નાળાઓમાં ધસમસતા પાણી વહેતા જોવા મળ્યાં હતા. જેમાં જંગલમાંથી શરૂ થઈ તાલાલા, સુત્રાપાડાના પ્રાંચી તીર્થમાંથી થઈ સોમનાથ સાનિધ્યે ત્રિવેણી સંગમ ખાતે પુરી થતી સરસ્વતી નદીમાં મોડીરાત્રીના ઘોડાપુર આવ્યું હતુ.
ત્રીવેણી સંગમ નજીક નદી તટે આવેલ છે મંદિર
તે સમયે સુત્રાપાડા પંથકના પ્રાંચી તીર્થમાં આવેલ પ્રખ્યાત માધવરાય મંદિર સરસ્વતી નદીના પટ્ટમાં આવેલું છે. જેથી સરસ્વતી નદીમાં આવેલ ઘોડાપુરના ધસમસતા પાણીમાં મંદિર ગરકાવ થઈ જતા માધવરાય ભગવાન 10 ફૂટ પાણીમાં જલમગ્ન થઈ ગયા હતા. રાત્રીના આ નજારો જોવા ગામ લોકો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. અત્યારે પણ હજુ મંદિર નદીના પાણીમાં ગરકાવ જ છે. ચાલુ વર્ષની સીઝનના પ્રથમ મહિનામાં જ માધવરાય મંદિર ત્રીજી વખત જલમગ્ન થઈ ગયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.