પ્રતિષ્ઠાભરી સોમનાથ બેઠક પર પરાજય બાદ ભાજપ પક્ષ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આભારને બદલે આક્રોશ દર્શનનો કાર્યક્રમ બન્યો હોય એમ હારેલા ઉમેદવાર અને તેના કાકા એવા પૂર્વ ધારાસભ્યએ જાહેર મંચ પરથી બળાપો કાઢતાં ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે પાર્ટીના જ અમુક જયચંદોને કારણે સોમનાથમાં પરાજય થયો છે. ચૂંટણી સમયે માગ્યા મોઢે રૂપિયા આપ્યા છતાં પીઠ પાછળ ખંજર ભોંક્યું છે. જો આપણી સામાન્ય મતે હાર થવાની ખબર હોત તો ધાડ પાડીને પણ મત કાઢી આવત, એવો હુંકાર કરીને પાર્ટીમાં રહેલા ગદ્દારોને ઓળખી લેવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં થયેલાં પ્રવચનો બાદ ભાજપની જૂથબંધી જાહેર મંચ પરથી સપાટીએ સામે આવતાં કાર્યકરો ચોકી ઊઠયા હતા.
કાર્યક્રમ આભારને બદલે આક્રોશ દર્શનનો બની ગયો
વેરાવળ લોહાણા બોર્ડિંગમાં ગત રાત્રિના સોમનાથ વિધાનસભા બેઠકમાં ભાજપ પક્ષ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, સોમનાથ બેઠકના ઉમેદવાર માનસિંહ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં યોજાયો હતો. આ કાર્યક્રમ આભારને બદલે આક્રોશ દર્શનનો બની રહ્યો હતો, કારણ કે આ કાર્યક્રમમાં સોમનાથ બેઠક પર નજીવા અંતરની હાર બાદ ભાજપની જૂથબંધી ખૂલીને સામે આવી હોવાનું આગેવાનોના તર્ક સાથેના આક્રમક શૈલીમાં બળાપો કાઢતાં કરેલાં પ્રવચનો પરથી સ્પષ્ટ જણાતું હતું.
આ વખતે અમુકે પાછળથી ઘા માર્યા છે- પૂર્વ ધારાસભ્ય
આ કાર્યક્રમને સંબોધતાં સોમનાથના ઉમેદવારના કાકા એવા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે કહ્યું હતું કે ચૂંટણીમાં હાર-જીત તો થતી રહે છે, પરંતુ આ વખતે અમુકે પાછળથી ઘા માર્યા છે. મર્દના દીકરા હોય તો સામી છાતીએ આવે, તો અમને પણ ખબર પડે. માગ્યા મોઢે રૂપિયા આપ્યા છતાં પીઠ પાછળ ખંજર ભોંકી ગદ્દારી કરી છે એનું દુઃખ છે. સાંસદની ચૂંટણી સમયે અમારા કારડિયા સમાજમાં વિરોધ હોવા છતાં ઉમેદવાર રાજેશ ચૂડાસમાને કારડિયા રાજપૂત સમાજના 80 ટકા મતો અપાવ્યાની વાત કહીને ચોક્કસ સમુદાય પર ટકોર કરી હતી. 900 જેવા સામાન્ય મતે હાર થવાની ખબર હોત તો ધાડ પાડીને પણ મત કાઢી આવત, પરંતુ આપણા કમનસીબથી હાર્યા છે. ત્યારે પાર્ટીના ગદ્દારોને ઓળખી લઈ કદી માફ ન કરવા આહવાન કર્યું હતું.
અમુક જયચંદોને લીધે આપણું વેરાવળ કેટલાં વર્ષો પાછળ જતું રહેશે
જ્યારે સોમનાથ બેઠક પર હારી ગયેલા ઉમેદવાર માનસિંહ પરમારે કહ્યું હતું કે આપણી વચ્ચે રહેલા જયચંદોને અત્યારથી આપણે ઓળખી લેવા પડશે. મારી પીઠ પાછળ ઘા કરનારાઓને ભગવાન સોમનાથ માફ નહીં કરે. આ હારનો સવાલ નથી. જયચંદોને લીધે આપણું વેરાવળ શહેર કેટલાં વર્ષો પાછળ જાય છે એનો ક્ષણિક વિચાર કર્યો હોત તો... હું આજીવન આ જયચંદોને માફ કરવાનો નથી. ભાજપનું પ્રદેશ નેતૃત્વ પણ જયચંદોને માફ કરવાના મૂડમાં નથી. જયચંદોનો સમયાંતરે હિસાબો થશે અને ખબર પડશે કે તેમણે શું પાપ કર્યું છે. બાકી આ વિસ્તારના લોકોના પ્રશ્નો માટે હું 108ની માફક કામ કરતો રહીશ.
ચૂંટણી ભલે હાર્યા, પણ વેરાવળના વિકાસમાં કચાસ નહીં રાખીએ
જ્યારે પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરારએ કહ્યું હતું કે ચૂંટણીમાં કોણે શું કર્યું એનાં પાર્ટીમાં લેખાં-જોખાં સાથે હિસાબ થાય છે, એટલે કોઈએ ચિંતા કરવી નહીં. ચૂંટણી ભલે હાર્યા હોઈએ, પણ સોમનાથ શહેર-પંથકનો વિકાસ કરવામાં કોઈ કચાસ નહીં રહેવા દઈએ એવી તેમણે ખાતરી આપી હતી. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કહ્યું હતું કે સોમનાથ બેઠક જીતવામાં ક્યાંક કચાશ રહી ગઈ એનું દુઃખ છે, પરંતુ આ વિસ્તારના પ્રશ્નો અને વિકાસ માટે હું કટિબદ્ધ છું. હું ભલે પાડોશના તાલાલાનો ધારાસભ્ય હોવ, તો પણ તમારા માટે કાયમી કામ કરતો રહીશ.
પક્ષમાં રહેલા ગદ્દારોની વાતો કહી આકરા પ્રહારો કર્યા
વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઈ સોલંકીએ પણ પક્ષમાં રહેલા ગદ્દારોની વાતો કહી આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે પરિવાર તૂટ્યો હોવાથી અને ક્યાંક ઉપર બેઠેલા તથા સ્થાનિક લોકોએ વિશ્વાસઘાત કર્યો હોવાથી સોમનાથ બેઠક હાર્યા છે, જેનો રંજ છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, તમામ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.