ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના છેવાડે જંગલ બોર્ડર નજીક આવેલ જાવંત્રી ગામનો રસ્તો બે તાલુકાઓને જોડતો મુખ્ય માર્ગ છે. જે બે વર્ષથી અતિબિસ્માર બની ગયો હોવા છતાં બે વર્ષથી તંત્રના અધિકારીઓ અને નેતાઓ ઉદાસીનતાભર્યુ વલણ રાખી નવો ન બનાવતા હોવાના કારણે છાશવારે નાના-મોટા અકસ્માતો સર્જાય રહ્યા છે. જેના લીધે ગ્રામજનોમાં આક્રોશ વ્યાપેલ છે. ત્યારે આ અતિબિસ્માર રસ્તાના પ્રશ્ને જાવંત્રી જુથ ગ્રામ પંચાયત દ્વારા વિધાનસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની જાહેરાત કરી છે. આ સાથે ગામમાં રાજકીય પક્ષોએ પ્રચાર કરવા પ્રવેશવા નહીં દેવાય તેવી ચીમકી ઉચ્ચારવાની સાથે તંત્રને પણ ગામમાં મતદાન બુથ ઉભા ન કરવા તાકીદ કરતી લેખીત રજૂઆત જિલ્લા કલેકટરને મોકલેલ છે.
કોન્ટ્રાક્ટરે નબળા મટીરીયલનો ઉપયોગ કર્યો: ગ્રામજનો
આ અંગે જાવંત્રી ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ અલ્તાફ બલોચએ જણાવેલ કે, છેલ્લા બે વર્ષથી જાવંત્રી-બામણાસા રોડ તેમજ પાણી કોઠા લીમદ્રા રોડ જે અઢી વર્ષ પહેલા નવો બનાવવામાં આવેલ હતો. આ રસ્તાનું કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળું મટીરીયલનો ઉપયોગ કરેલ હોવાથી બન્યાના થોડા સમય બાદ જ રસ્તાની હાલત બિસ્માર બની ગઈ હતી. આ પરિસ્થિતિના કારણે રસ્તા પર છાશવારે નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં અગાઉ એક મજુરનું મૃત્યુ નિપજવાની સાથે અનેક વાહન ચાલકોને નાની મોટી ઇજાઓ પણ પહોંચી હતી. આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરે લોટ, પાણી અને લાકડાની નીતિ સાથે બમાવ્યો હોય તેવું ગ્રામજનોને જણાઈ રહ્યું છે.
રાજકીય પક્ષોએ ગામમાં પ્રચાર અર્થે નહીં આવવા ચીમકી
વધુમાં આ રસ્તો કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓને જોડતો છે. ત્યારે આ રસ્તાની બિસ્માર પરિસ્થિતિને લઈ ગ્રામ પંચાયત દ્વારા સ્થાનીકથી લઈને ગાંધીનગર કક્ષા સુધી છેલ્લા બે વર્ષથી સતત લેખીત-મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. જેને લઈ સંબંધિત વિભાગો- અધિકારીઓ ધ્યાનમાં ન લેતા હોવાથી ગ્રામજનોમાં રોષ પર્વેતેલ છે. જેથી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને સાથે રાખી આગામી 1 લી ડીસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીના મતદાનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યુ છે. મહેરબાની કરીને કોઈપણ રાજકીય પાર્ટીના ઉમેદવારે જાવંત્રી ગામમાં પ્રચાર અર્થે નહીં આવવા ચીમકી ઉચ્ચારી છે. અને તંત્રએ પણ જાવંત્રી ગામમાં મતદાનના બુથો ઉભા ન કરવા જિલ્લા કલેકટરને લેખીત જાણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.