• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Resentment Among The Forest Guards forestry Personnel Working In The Gir Forest Where The Demands Are Not Being Resolved; Went On Indefinite Strike

પડતર માગોને લઈને વનકર્મીઓનો વિરોધ:માગોનો ઉકેલ ન આવતા ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષકો-વનપાલ કર્મીઓમાં રોષ; અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

ગીર સોમનાથ (વેરાવળ)19 દિવસ પહેલા

ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સહિતના 400 જેટલા કર્મચારીઓ ગ્રેડ પે વધારવા અને ભરતી-બઢતીનો રેશીયો 1:3 કરી આપવા સહિતની પડતર માંગણીઓને લઈ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. જેના પગલે ગીર જંગલ રેઢું પડ બની ગયું છે. પડતર માંગણીઓ સંદર્ભે થોડા સમય અગાઉ લેખીત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ બે વખત ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગર બોલાવી પ્રશ્નો ઉકેલવાનો વિશ્વાસ આપી વધુ સમય માંગ્યો હતો. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વનકર્મીઓમાં રોષ પ્રવર્ત્યો હોવાથી હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી હોવાનું કર્મીઓના મંડળે જણાવ્યું હતું.

વનકર્મચારીઓમાં ભારે રોષ પ્રવર્ત્યો
રાજ્ય વન વિભાગ હેઠળ જંગલમાં ફરજ બજાવતા વનરક્ષકો અને વનપાલ કર્મચારીઓના સંગઠને આજથી હડતાલ ઉપર ઉતરતા પહેલા જ રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને ગ્રેડ પે વધારવા સહિતની માંગણીઓ સંદર્ભે લેખીત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે વનરક્ષકોને રૂ. 2,800નો ગ્રેડ પે અને વનપાલ કર્મચારીઓને રૂ. 4200નો ગ્રેડ પે આપવો, રજા પગાર આપવો તેમજ ભરતી-બઢતીનો રેશીયો 1:3 કરી આપવા સહિતની માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જે અંગે અનેકવાર લેખીત મૌખિક રજુઆતો પણ કરવામાં આવેલ છે. તેમ છતાં તાજેતરમાં પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો, જેની સામે વનકર્મીઓની માંગણીઓ સંદર્ભે કોઈ નિર્ણય ન કર્યો હોવાથી વનકર્મચારીઓમાં ભારે રોષ પ્રવર્ત્યો છે.

અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી
વધુમાં વનરક્ષક કર્મચારી મંડળે જણાવ્યું હતું કે તા. 23 ઓગષ્ટના રોજ અચોક્કસ મુદ્દતની રજા ઉપર ઉતરી જવા માટે જાહેરાત કરી હતી, ત્યારે વિભાગના અગ્ર મુખ્ય સચિવે ગાંધીનગર ખાતે રૂબરૂ બોલાવીને માંગણીઓનો ઉકેલ લાવવાનો વિશ્વાસ આપતા તે જાહેરાત સ્થગિત રાખવામાં આવી હતી. ત્યારબાદ ફરી તા. 27 ઓગષ્ટના રોજ બોલાવીને અગ્ર સચિવે વધુ સમય માંગતા તા. 5 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય કરવા જણાવ્યું હતું. તેમ છતાં આજદીન સુધી કોઈ નિર્ણય ન આવેલો હોવાથી સમગ્ર ગુજરાતના વનરક્ષકો તથા વનપાલ કર્મીઓને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી છે. તેમ છતાં અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નાછુટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...