અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું:રાહુલ ગાંધી 1 જાન્યુઆરી 2024ની અયોધ્યાની ટિકિટ બુક કરાવી રાખજો, આ જ દિવસે ભવ્ય રામ મંદિર લોકો માટે ખુલ્લુ મુકાશે

ગીર સોમનાથ (વેરાવળ)19 દિવસ પહેલા

ગત વિધાનસભાની ચુંટણીમાં સોરઠના ત્રણ જિલ્લામાં ભાજપનું ધોવાણ થવાની સાથે માત્ર એક બેઠક ભાજપને મળી હતી. જે પરીણામોએ સૌ કોઈને ચોકાવી દીધા હતા. જેથી તેને ધ્યાનમાં રાખીને ભાજપના નેતૃત્વએ આ વખતે ખાસ ત્રણેય જિલ્લામાં ઝાંઝવતી પ્રચાર કરી લોકોને ભાજપ તરફી કરવાની રણનીતી ઘડી હોય તેમ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી જેવા દિગગજો પ્રચાર અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સભાઓ ગજવી રહ્યા છે. જેમાં જિલ્લાના કોડીનાર ખાતે ત્રણ દિવસ પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલે સભા ગજવ્યા બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા ગજવતા કહ્યું હતું કે, ગત ચુંટણીમાં તમે ભાજપને નહોતી જીતાડી પરંતુ આ વખતે હું વચન લેવા આવ્યો છું કે, તમે જિલ્લાની ચારેય બેઠકો ઉપર કમળ ખીલવીને ગાંધીનગર મોકલશો તેવી આશા છે. આ સાથે કોંગ્રેસ સહિત વિપક્ષો ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધી તમે 1 જાન્યુઆરી 2024ની ટિકિટ બુક કરી રાખો
કોડીનારમાં જાહેરસભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપ રામ મંદિર ક્યારેય નહીં બનાવે તેવા રાહુલ ગાંધી અને વિપક્ષ પર આરોપ લગાવીને તિથિ પૂછતા હતા. જેનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી તમને આમંત્રણ છે કે, તમે 1 જાન્યુઆરી 2024ની ટિકિટ બુક કરી રાખો. કેમ કે રામ મંદિરનું નિર્માણ આ તારીખે પૂર્ણ થશે અને ભવ્યાતિભવ્ય આકાશને અડતું રામ મંદિર ખુલ્લું મુકવામાં આવશે.

ભારતીય સીમા સાથે છેડછાડ કરનારને જડબાતોડ જવાબ મળશે
વધુમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કેન્દ્રમાં 10 વર્ષ કોંગ્રેસના શાસનમાં રોજ પાકિસ્તાની સીમા તરફથી ઘુસપેઠીયાઓ ઘુસપેઠ કરી હુમલા કરતા હતા. જે અંગે તે સમય પ્રધાનમંત્રી કાઈ ના બોલતા, પરંતુ પ્રધાનમંત્રી મોદી દિલ્લીની ગાદી પર બિરાજમાન થયા બાદ તેમણે સમજાવ્યું કે, હવે મૌની બાબા મનમોહનસિંહ નહીં પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે. પુલવામા હુમલાના જવાબમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાન સાથે વિશ્વને સંદેશો આપ્યો હતો કે, ભારતીય સીમા સાથે છેડછાડ કરનારને જડબાતોડ જવાબ મળશે. તો દેશની સેનાએ કરેલા સર્જીકલ સ્ટ્રાઈકના પરાક્રમ ઉપર શંકા કરીને કેજરીવાલ પુરાવા માંગનાર આજે ગુજરાતમાં રાજ કરવા નીકળ્યા છે. ત્યારે જનતાએ આવા લોકોને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા આહવાન કર્યું હતું. ડબલ એન્જિનની ભાજપ સરકારના કામો ગણાવતા અમિત શાહે જણાવ્યું હતું કે, ગીર સોમનાથના જ 1.75 લાખ ખેડૂતોને કૃષિ સન્માન નીતિ પૂરી આપવામાં આવી છે. માછીમારોને 200 કરોડથી વધુની સબસીડી આપવામાં આવી છે અને પીએમ કિસાન કાર્ડનો પણ માછીમારોને લાભ અપાયો છે.

આવો જ પ્રચાર 2017માં કરેલો જે નિષ્ફળ ગયો હતો
અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસના ગઢ સમાન ગીર સોમનાથ જિલ્લામાં ભાજપને જીતાડવા માટે બે દિવસ પહેલા કોડીનાર ખાતે પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભા કરી હતી. ત્યારપછી બે દિવસ બાદ સોમનાથ સાનિધ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને આજે કોડીનારમાં ફરી ગૃહમંત્રી અમિત શાહે સભા ગજાવી હતી. આમ ભાજપ કોઈપણ ભોગે સૌરાષ્ટ્રમાં 2017ના પરીણામોનું પુનરાવર્તન ન થાય તે માટે એડીચોટીનું જોર લગાવી જોશીલો પ્રચાર કરી રહ્યુ છે. જો કે, આવો જ પ્રચાર 2017માં કરેલો જે નિષ્ફળ ગયો હતો. ત્યારે 2022ના આ ઝંઝાવતિ પ્રચાર લોકોના વોટ મેળવવામાં કેટલો કારગર નીવડે છે. તે 8 ડિસેમ્બરે જ ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...