"સમાન કામ સમાન વેતન":ગીર સોમનાથમાં જેટકોમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓનો વિરોઘ; પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું

ગીર સોમનાથ (વેરાવળ)19 દિવસ પહેલા

ગીર સોમનાથ જિલ્લામાં વીજ વિભાગના જેટકોમાં આઉટસોર્સ તરીકે કામ કરતા કર્મચારીઓએ ''સમાન કામ સમાન વેતન'' સહિતની પડતર આઠ મુદ્દાકિય માંગણીઓ સાથે વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આજે બપોરે જિલ્લામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ની પેટા કંપની જેટકોમાં આઉટ સોર્સિંગ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ "સમાન કામ સમાન વેતન"ના સૂત્રોચ્ચાર પોકારતી વિશાળ રેલી કાઢી હતી. આ રેલી ઈણાજ ખાતે જિલ્લા સેવા સદન કચેરી ખાતે પહોંચી પડતર માંગણીઓને લઈ રાજય સરકારને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપેલ હતું. જેમાં કર્મચારીઓએ જણાવ્યા મુજબ જેટકો કંપનીમાં વિવિધ કોન્ટ્રાકટર હેઠળ આઉટ સોર્સિંગથી છેલ્લા 15 વર્ષના અનુભવ ધરાવતા અમારા જેવા કર્મચારીઓને માત્ર 7થી 8 હજાર જેવું મામુલી વેતન આપવામાં આવ્યું છે. અમે એક કૌશલ્ય (સ્કિલ) કર્મચારી તરીકે કામ કરવા ઉપરાંત અમારૂ ભણતર ડીપ્લોમાં અથવા આઈ.ટી.આઈ. હોય તેમજ કામ કરવા માટે પુરતો અનુભવ હોવા છતાં વેતનમાં કોઈ પણ જાતનો ફાયદો કે લાભ આજદીન સુધી મળ્યો નથી.

વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલ મોંઘવારી પ્રમાણે દૈનિક દર મિનિમમ રૂ.700 હોવા જોઈએ અને માસિક વેતન રૂ.18,200 મળવા પાત્ર હોવાની સામે અમને માત્ર 7થી 8 હજાર જેવી રકમ આપી અમારૂ શોષણ થાય છે. વર્ષના અંતે મોંઘવારી મુજબ 3થી 10% વેતનમાં વધારો મળવો જોઈએ. કર્મચારી તથા પરિવાર માટે મેડિકલ ભથ્થું તથા રહેણાંક ખર્ચ મળવો જોઈએ. કર્મચારી હાઈવોલ્ટેજ સિસ્ટમમાં જોખમી કામ કરતાં હોવાથી કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ પણ આપવું જોઇએ. દર વર્ષે કર્મચારીઓને બોનસ જેવા લાભો આપવા જોઇએ. આઉટ સોર્સિંગ કર્મચારીની સ્કિલ, અનુભવોને ધ્યાને લઈ ભવિષ્યમાં થતી કાયમી ભરતીમાં 20 જગ્યામાં પરીક્ષા કે ઈન્ટરવ્યુથી ભરતી થવી જોઈએ. આ માંગણીઓ 10 દિવસમાં નહીં સંતોષાય તો તા.15 સપ્ટે.ના રોજ સવારે 10 વાગ્યે કાર્યસ્થળ પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરશે. તેમ છતાં માંગણીઓને નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ધરણા, પેનડાઉન જેવા આંદોલનત્મક કાર્યક્રમો કરવાની અંતમાં ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...