તપાસ:ઊનાની એચએમવી કોલેજનાં આચાર્ય નિવૃત થયા પણ ડાયરેક્ટર બની વહીવટ કરવા લાગ્યા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના પૂર્વ પ્રમુખે ઉચ્ચકક્ષાએ કરી ધારદાર રજૂઆત, તપાસ આદરી કાર્યવાહીની માંગ

ઊનાની ગ્રાન્ટેડ કોલેજ એચ.એમ.વી.નાં નિવૃત્ત મહિલા પ્રિન્સીપાલ બિન અધિકૃત રીતે ડાયરેકટર બની નિયમો નેવે મુકી કોલેજનો સમગ્ર વહિવટ સંભાળતા હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆત પાલિકાનાં પૂર્વ પ્રમુખ મયંકભાઈ જોષીએ કરી હતી. કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. કે.જે.વાળાના નિધન બાદ નિવૃત્ત આચાર્ય એન.સી.ભટ્ટ ગેરકાયદેસર રીતે વહિવટ કરી રહ્યાં છે.

જ્યારે ઉચ્ચશિક્ષણ કમિશ્નરની ગાંધીનગર સ્થિત કચેરીએ આર ટી આઇ હેઠળ આપેલ માહીતીમાં જણાવેલ કે ડાયરેક્ટરની કોઇ પોસ્ટ હોતી નથી. અને પ્રિન્સીપાલ કે ઇન્ચાર્જ પ્રિન્સીપાલ દ્રારા નાંણાકીય અગત્યના ડોક્યુમેન્ટ યુનિવર્સીટી પરીક્ષા ફોર્મમાં સહી કરી શકે અન્ય કોઇ વ્યક્તી દ્રારા સહી કરી શકે નહીં તેમ છતાં આ કોલેજ દ્રારા નિયમો અને કાયદાનું ઉલ્લઘન કરી નિવૃત્ત પ્રિન્સીપાલ એન. સી. ભટ્ટ કોલેજના ડાયરેક્ટરનો સિક્કો મારી કોલેજ પર કબ્જો જમાવી બેઠા છે.

વધુમાં મયંક જોષીએ કરેલા આક્ષેપ મુજબ આ પ્રિન્સીપાલને ભુતકાળમાં પણ શિક્ષણ‌ વિભાગે 48 લાખના નુકસાન અંગે શો કોઝ નોટીસ ફટકારી હતી. અને તેમના વલણ અને વર્તન અંગે પણ રીમાર્ક્સ થયા હતા. તેમ છતા ગોટાળા છુપાવવા પોતાના હાથમાં વહિવટ રાખ્યો છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વધુમાં જણાવા મળતી વિગત મુજબ ટ્રસ્ટ અને શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેમ કહે છે કે, અહીંયા પ્રિન્સીપાલ તરીકે કોઈ રહેવા તૈયાર નથી. પરંતુ વાસ્તવિક સ્થિતી એ છે કે, કોલેજના કોઈ અધ્યાપકને ઈન્ચાર્જ તરીકે પુરતુ રેકર્ડ કે સત્તા આપવા તૈયાર નથી.

આ ઉપરાંત ત્રીજા અને ચોથા વર્ગના કર્મીઓને ઉચ્ચતર પગાર ધોરણ પણ ન આપતા હોવાનો આક્ષેપ થયો છે. આ ઉપરાંત એક મહિલા પ્યુનને ઉચ્ચતર પગાર માટે વર્ષ 2009માં હુકમ થયો હતો. છતાં 13 વર્ષ સુધી તેનું પાલન કર્યું ન હતું. બાદમાં ગાંધીનગર અને દિલ્લી સુધી રજૂઆત થતા કાર્યવાહી શરૂ કરી હતી. આમ આ નિવૃત્ત પ્રિન્સીપાલ સામે આધાર પુરાવા સાથે રજૂઆત કરી સમગ્ર કૌભાંડની તપાસ કરવાની માંગ કરી હતી.

શું કહે છે અરજદાર ?
આ અંગે મયંકભાઈ જોષીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં યુનિવર્સીટીમાંથી તપાસ માટે બે વખત સમીતી આવી પણ તે વખતે કોઇ બહાના બતાવી નિવૃત પ્રિન્સીપાલ એન. સી. ભટ્ટ હાજર રહ્યા ન હતા. તેમજ સ્થાનિક સંચાલન સમીતીના ચેરમેન કાપડીયાએ પણ ધૃતરાષ્ટ્રની જેમ તમાસો જોઇ મૌન ધારણ કરી લીધુ હોવાનો તાલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...