આગામી સમયમાં સોમનાથ મંદિરની મુલાકાતે જનારને પૂજારીઓ-પુરોહિતો વ્યવહારમાં ગુજરાતીને બદલે સંસ્કૃતમાં વાત કરતા જોવા મળે તો નવાઇ નહીં. સોમનાથ મંદિર અને તીર્થક્ષેત્રમાં સંસ્કૃતને વ્યવહારમાં ઉપયોગમાં લેવાય એ માટે સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ખાસ સંભાષણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે. સોમનાથ મહાદેવની આરાધના કરતા પૂજારીઓ હવે વ્યવહારિક કામોમાં પણ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરશે. સાથે જ દેશ-વિદેશથી આવતા ભાવિકોને સંસ્કૃત ભાષામાં સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રનો ઈતિહાસ તથા મંદિરના સ્થાપત્યની વિશેષતા જણાવાશે. આ રીતે હવે સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુનઃ ઉત્થાન અને સુદ્દઢીકરણ માટે પણ સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે.
સોમનાથ ટ્રસ્ટના ડીડમાં સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટેનો ઉલ્લેખ હોઇ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માટેનો 50 લાખનો ખર્ચ વર્ષ 2007માં સોમનાથ ટ્રસ્ટે જ આપ્યો હતો. દર વર્ષે સંસ્કૃત માટે સંશોધન કરતા તજ્જ્ઞો વિદ્વાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવે છે.
ચાણક્ય ફેમ ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો
યાત્રિકોનું પણ સંસ્કૃત ભાષાથી સ્વાગત કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય સંસ્કૃત સંભાષણ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું છે. જેમાં 70 લોકો માટે સવારે અને સાંજે 2 વર્ગો યોજાશે.
સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા ભવનના ઓડિટોરિયમ ખાતે પદ્મ એવાૅર્ડથી સન્માનિત દિગ્દર્શક અને અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીના હસ્તે આ પ્રશિક્ષણ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.