દીપડાનો મૃતદેહ મળી આવ્યો:સોમનાથ-કોડીનાર નેશનલ હાઈવે ઉપર રસ્તો ઓળંગવા સમયે વાહન સાથે અથડાયો હોવાનું અનુમાન

ગીર સોમનાથ (વેરાવળ)15 દિવસ પહેલા

આજે સવારે સોમનાથ કોડીનાર હાઈવે ઉપર દેવળી ગામ નજીકના રસ્તાની સાઈડમાં દીપડાનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતું થયુ હતુ. દીપડાનું મૃત્યુ મોડીરાત્રીના હાઈવે ઉપર જતા વાહન સાથે અથડાવવાના કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે. હાલ દીપડાના મૃતદેહનો કબ્જો લઈને વનવિભાગે તપાસ હાથ ધરી છે.

સોમનાથ-કોડીનાર-ઉના નેશનલ હાઈવે ઉપર છાશવારે દીપડાઓ ચડી આવતા હોવાથી વાહનો સાથે અથડાવવા કે ટક્કર મારવા જેવા નાના-મોટા અકસ્માતો અનેકવાર સામે આવ્યા છે. ત્યારે વધુ એક વખત આવી રીતે દીપડાના અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ - કોડીનાર નેશનલ હાઈવે ઉપર દેવળી ગામ નજીકના મજેવડી વાડી વિસ્તાર પાસેના હાઈવેના રસ્તાની બાજુમાં આજે સવારે એક દીપડાનો મૃતદેહ રાહદારીઓના ધ્યાને આવ્યો હતો. જેને લઈ જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

બાદમાં દીપડાના મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગત મોડીરાત્રી દરમિયાન હાઈવેનો રસ્તો ક્રોસ કરતી વેળાએ કોઈ વાહન સાથે અથડાવવાના લીધે દીપડાનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે દીપડાનું મૃત્યુ ખરેખર અકસ્માતમાં થયુ છે, કે પછી અન્ય કોઈ કારણોસર તે પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ હાઈવે ઉપર એકાદ માસ પહેલા પણ આવી રીતે રાત્રીના સમયે એક દીપડો વાહનની અડફેટે આવી જતા મૃત્યુ પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...