વેરાવળ-સોમનાથ પંથકમાં અદભુત ખગોળીય ઘટના:આકાશમાં સૂર્યની ફરતે રંગબેરંગી મેઘધનુષ્ય જેવું સર્કલ છવાયું; લોકો રોમાંચિતની સાથે આશ્ચર્યચકિત બન્યા

ગીર સોમનાથ (વેરાવળ)8 દિવસ પહેલા

વેરાવળ-સોમનાથ પંથકના આકાશમાં અદભુત ખગોળીય ઘટના સર્જાયેલી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. આજે બપોરના સમયે જિલ્લાના કોડીનાર તાલુકામાં આકાશમાં સૂર્યની ફરતે વલય (સર્કલ) દેખાયું હતું. આ ખગોળીય ઘટનાનો અદભુત નજારો જોવા લોકો બહાર નીકળી પડ્યા હતા. આ નજારો નિહાળી લોકોમાં રોમાંચ સાથે કુતૂહલપણ નજરે પડતું હતું. આવી ઘટના દોઢેક વર્ષ પૂર્વે વેરાવળ સોમનાથના આકાશમાં પણ જોવા મળી હતી.

ઘટના નિહાળી લોકો રોમાંચિત થતા નજરે પડ્યા
આજે બપોરના સમયે ગીર સોમનાથ જિલ્લાના પંથકના આકાશમાં સૂર્ય નારાયણની ફરતે રંગબેરંગી વલય (સર્કલ) જોવા મળતા લોકો આશ્ચર્યચકિત બન્યા હતા. આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકો કુતૂહલવશ થઈને ઘરની બહાર નીકળી આકાશમાં જોવા મળી રહેલ અદભુત ખગોળીય ઘટના નિહાળી રોમાંચિત થતા નજરે પડતા હતા. ગીર સોમનાથ પંથકના આકાશમાં સૂર્યની ફરતે સર્જાયેલું રંગબેરંગી સર્કલ ઘણો સમય સુધી જોવા મળ્યું હતું. આ રંગબેરંગી સર્કલ કેમ બન્યું હશે તેને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ લોકોમાં થઈ રહી હતી.

દોઢેક વર્ષ પહેલાં આવાં દૃશ્યો સર્જાયાં હતાં
કોડીનાર પંથકના આકાશમાં જોવા મળેલી અદભુત ખગોળીય ઘટના અંગે જાણકારોના મતે આવી ઘટના ભારત દેશમાં ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે ઠંડા પ્રદેશોમાં નિયમિત જોવા મળે છે. આવાં દૃશ્યો દોઢેક વર્ષ પહેલાં પણ જોવા મળ્યાં હતાં. તે સમયે પણ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

અન્ય સમાચારો પણ છે...