ગીર સોમનાથ કોંગ્રેસમાં ભડકો:કોડીનાર બેઠકની ટિકિટ મહેશ મકવાણાને અપાતા પક્ષમાં નારાજગી; ચાલુ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ રાજીનામાની જાહેરાત કરી

ગીર સોમનાથ (વેરાવળ)3 મહિનો પહેલા

ગીર સોમનાથ જિલ્લામાં સત્તાધારી ભાજપએ ઉમેદવારો જાહેર કર્યા બાદ ડેમેજ કંટ્રોલ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. જે કડીમાં હવે કોંગ્રેસએ પણ ઉમેદવારો જાહેર કરતા નારાજગી ખુલ્લીની સામે આવી છે. જેમાં કોંગ્રેસના નેતૃત્વએ કોડીનારના વર્તમાન ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપીને જીજ્ઞેશ મેવાણીની નજીકના વ્યક્તિને ઉમેદવાર જાહેર કરતા સ્થાનીક કક્ષાએ ભડકો થયો છે. જેમાં કોડીનારના ચાલુ ધારાસભ્ય મોહન વાળા અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડે ટિકિટ ફાળવણીથી નારાજ થઈને કોંગ્રેસનો હાથ છોડવાની જાહેરાત કરી છે. બરાબર વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કહેતાં હવે કોડીનાર કોંગ્રેસની હાલત કફોડી બની છે. ત્યારે કોંગ્રેસ તુટી રહી હોવા છતાં પાર્ટીનું નેતૃત્વ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નિવડી રહ્યાનો તાલ જોવા મળી રહ્યો છે.

બેઠકમાં ટિકિટ કપાવા તેમજ વિવિધ મુદ્દે લાંબી ચર્ચા
કોડીનારમાં ચાલુ ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કપાયા બાદ તેઓ પક્ષથી નારાજ હતા. પાર્ટીના નેતૃત્વના નિર્ણય સામે આજે કોડીનારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડના નિવાસસ્થાને કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય મોહન વાળા સહિતના કોડીનાર શહેર પંથકના કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટિકિટ કપાવા તેમજ વિવિધ મુદ્દે લાંબી ચર્ચાઓ થઈ હતી. જેના અંતે અગ્રણી ધિરસિંહ બારડ અને ધારાસભ્ય મોહન વાળા બંન્ને નેતાઓએ સેંકડો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસને અલવિદા કહી દઈ રાજીનામાં આપવાનું જાહેર કર્યાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજકીય સફરમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા છેઃ મોહન વાળા
કોંગ્રેસના નેતૃત્વએ કોડીનારના વર્તમાન ધારાસભ્ય મોહન વાળાની જગ્યાએ મહેશ મકવાણાને મેદાને ઉતાર્યા છે. જે નિર્ણય અંગે કોડીનારના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડે જણાવેલ કે, “મારી પાંચ દાયકા સુધીની કોંગ્રેસ સાથેની રાજકીય સફરમાં ઘણા રાજકીય ચઢાવ-ઉતાર જોયા છે. જેમાં આ એક વધુ છે અને પાર્ટીએ ચાલુ ધારાસભ્યની ટિકિટ ક્યાં કારણોસર કાપી તે અંગે મૈ પાર્ટીને પૂછવાનો પ્રયાસ કર્યો કે, ધારાસભ્ય મોહન વાળાની એવી કઈ ખામી હતી કે તમે એમની ટિકિટ કાપી? જો કે, મારા પ્રશ્નનો આજદીન સુધી જવાબ મળ્યો નથી. જેથી આજે મૈ મારો નિર્ણય જાહેર કર્યો છે, કાર્યકરોને કોઈ દબાણ કર્યું નથી. આજથી હું કોંગ્રેસ પક્ષનો સભ્ય નથી.”

હું અન્ય કોઈ પાર્ટીમાં જોડાવવાનો નથીઃ મોહન વાળા
આ મામલે ધારાસભ્ય મોહન વાળાએ જણાવેલ કે, જયપુર ખાતે મળેલ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક સમયે પ્રદેશ પ્રમુખ સહિતના પ્રદેશના 15 અગ્રણી નેતાઓએ ખાત્રી આપેલ કે, જે ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કર્યુ છે, તેમાંથી કોઈની ટિકિટ કાપવામાં આવશે નહીં. આવી ખાત્રી છતાં પણ પાર્ટીના નેતૃત્વએ આવો નિર્ણય કર્યો છે. હું અન્ય કોઈ પાર્ટીમાં જોડાવવાનો નથી, કારણ કે હું કોઈ રાજકીય જીવડો હતો જ નહીં. હું કોંગ્રેસ સાથે વિચારધારાથી જોડાયેલો હતો અને છું. પરંતુ મૈ અમારા માર્ગદર્શક ધિરસિંહ બારડ સાથે સક્રીય રાજકારણમાંથી નિવૃત્ત જાહેર કરવાની સાથે પક્ષમાંથી મારૂ રાજીનામું આપું છું.

અન્ય સમાચારો પણ છે...