ઊનાનાં દરિયાઈ સીમા નજીક આવેલા અને એક દાયકા પહેલા દેશી દારૂ બનાવવાનું હબ ગણાતુ માણેકપુર ગામ આજના સમયમાં વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ હજુ પણ આ ગામમાં માછીમારી વ્યવસાય અને મજુર વર્ગના લોકોને દારૂ પિવાની ટેવ હોવાથી અનેક બુટલેગરોને ત્યા દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય અને તેની સપ્લાય અન્ય ગામોમાં પણ થઈ રહી છે. બે-ત્રણ દાયકામાં અનેક મહિલાઓ વિધવા બની છે. અનેક પરિવારો અસ્તવ્યસ્ત થયા છે.
બાળકો અભ્યાસ છોડી દારૂના દૂષર્ણ પાછળ દોડી રહ્યા હોવાના કારણે શિક્ષણનું સ્તર ઘટ્યું છે. તેમ છતા દારૂના ચાલતા ભઠ્ઠા બંધ કરાવવા પોલીસ નિષ્ફળતા દેખાડી રહી હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં બરવાળામાં સર્જાયેલ લઠ્ઠાકાંડનાં કારણે અનેક જીંદગી છીનવાતા તેની અનેક ગામોમાં નોંધ લેવાયેલ હોય તેમ ગ્રામિણ ક્ષેત્રે યુવાનો જાગૃત બનીને આવાં દારૂના અડ્ડા બંધ કરાવવા બહાર આવી રહ્યાં છે અને ગ્રામ પંચાયત દ્વારા પણ પંચાયત ધારા હેઠળ મળેલી સતાનો ઉપયોગ કરીને દારૂનું કાયમી વેંચાણ બંધ કરાવવા સંકલ્પ કરે છે.
ઊના તાલુકાના માણેકપુર ગામનાં મહિલા સરપંચ ભાનુબેન લાખાભાઇ રાઠોડ દ્વારા ઊના મામલતદાર કચેરી અને નવાબંદર મરીન પોલીસ તેમજ ધારાસભ્ય પુંજાભાઈ વંશને પત્ર લખીને રજુઆત કરાય છે કે માણેકપુર ગામે ખુલ્લેઆમ વેચાતાં દેશી દારૂ, ઈંગ્લીશ દારૂનાં પીઠા તાત્કાલિક અસરથી બંધ કરાવવામા આવે નહિતર ગ્રામ પંચાયતને સરકારી કાયદાકીય કલમ 99હેઠળ મળેલી સતાનો અમલ કરી ગામ લોકોનાં હિતમાં આવાં દારૂના અડ્ડા પંચાયત સરપંચ સદસ્ય અને લોકોને સાથે રાખી કામગીરી કરશે. અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ઉભી થાય તે પહેલાં આવાં દારૂના ધંધાર્થીઓને ડામી દેવા માંગણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.