બિનવારસી પેકેટ મળી આવતાં ચકચાર:​​​​​​​સોમનાથના દરીયાકાંઠેથી નશીલા પદાર્થનાં પેકેટો મળી આવ્યાં, SOG-મરીન સહિતની પોલીસ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

ગીર સોમનાથ (વેરાવળ)7 દિવસ પહેલા
  • વડોદરા ડોડીયાથી લઈને ઉનાના નવાબંદર સુધીના 70 કિમીના દરીયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
  • સર્ચ ઓપરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પોલીસ વિગતો જાહેર કરશે

સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના ગણાતા એવા સોમનાથના દરીયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થનાં પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. જેના પગલે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથના વડોદરા ડોડીયાથી લઈને ઉનાના નવાબંદર સુધીના 70 કિમીના દરીયાકાંઠે SOG, મરીન સહિતની પોલીસની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ મામલે સર્ચ ઓપરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પોલીસ વિગતો જાહેર કરશે તેવું જાણવા મળ્યું છે.

SOG અને મરીન પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી
છેલ્લા થોડા સમયથી ગુજરાતના દરીયાકાંઠે ફરી નશીલા પદાર્થોની હેરાફેરી વધી હોય તેમ મોટી માત્રામાં પ્રતિબંધ નશીલા પદાર્થો પકડાઈ રહ્યા છે. દરમ્યાન આજે બુધવારે સવારે જૂનાગઢના માંગરોળથી લઈને માધુપુરના દરીયાકાંઠે નશીલા પદાર્થ ચરસના જથ્થાના ઘણા પેકેટો મળી આવ્યા હતા. જેના પગલે ગીર સોમનાથ જિલ્લામાં આદરીથી શરૂ થતાં દરીયાકિનારાથી સોમનાથના કાંઠાના વિસ્તારોમાં SOG અને મરીન પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના જથ્થાના પેકેટો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ આ લખાય છે ત્યારે પણ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી કયો નશીલા પદાર્થ છે? કેટલી માત્રામાં મળી આવ્યો છે? તેની કોઈ ચોક્કસ વિગત મળી નથી.

નશીલા પદાર્થોના પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી
આ અંગે જિલ્લા પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પાડોશી જિલ્લાના દરીયાકાંઠેથી નશીલા પદાર્થો મળી આવ્યા છે. જેના આધારે હાલ ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ડોડીયાથી લઈને સોમનાથ, સુત્રાપાડા, કોડીનાર તથા ઉનાના નવાબંદર સુધીના દરીયાકાંઠાના વિસ્તારોમાં SOG, મરીન પોલીસ સહિતની એજન્સીઓની ટીમો સર્ચ ઓપરેશન કરી રહી છે. જે કામગીરી પૂર્ણ થયા બાદ વિગતો જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...