બાબા સાહેબની પ્રતિમા ખંડિત:તાલાલામાં આંબેડકરની પ્રતિમાને ગબડાવી નાખી ખંડિત કરતા લોકોમાં રોષ; પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કર્યો

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામે મંડોરણા રોડ ઉપર આવેલા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ગત મોડી રાત્રીના કોઈ અજાણ્યા શખસો ગબડાવી નાંખી ખંડિત કરી હતી. જેની ફરીયાદ તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના સામે આવતા લોકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી.

લોકો મોટી સંખ્યામાં બનાવ સ્થળે દોડી ગયા
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ, તાલાલા તાલુકાના મંડોરણા ગીર ગામના રોડ ઉપર બે માસ પહેલા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ. દરમિયાન ગઈકાલે 31મી ડિસેમ્બરે મોડીરાત્રીથી બીજા દિવસના સવાર સુધીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નીચે ઉતારી કોઇ અજાણ્યા શખસો થોડે દુર મુકી આવ્યા હતા. સવારે આ ઘટનાની જાણ થતા દલિત સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં બનાવ સ્થળે દોડી ગયા હતા.

અધિકારીઓ સ્ટાફ સાથે દોડી આવ્યા
આ કથિત ઘટના અંગે અગ્રણીઓ એ જાણ કરતાં પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. બાદમાં આંકોલવાડી દલિત સમાજના અગ્રણી રમેશ સાગઠીયાની ફરિયાદ લઈ અજાણ્યા શખસો સામે આઈ.પી.સી.કલમ 295, 427 મુજબ ગુનો દાખલ કરી પીએસઆઈ રાકેશ મારૂએ આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ લોકોમાં આક્રોશ પ્રવર્તેલો હોવાથી તાલાલા સીપીઆઈ એમ.યુ.મસીએ પણ બનાવના સ્થળે દોડી જઈ પરિસ્થિતિની માહિતી મેળવી તપાસને લઈ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...