શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. જેને લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના ભયના કારણે ઘણા ભાવિકો સોમનાથ આવી શક્યા નથી, પરંતુ આ વર્ષે શ્રાવણ માસમાં દુનિયાભરમાંથી શિવભક્તો સોમનાથમાં ઊમટશે. જેને ધ્યાનમાં રાખી સોમનાથમાં યાત્રિકોની સુવિધાઓ માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
આ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે કે, દર્શન માટે એક સાઇડનો રોડ જ કાર્યરત રહે છે. મંદિરનો મુખ્ય પ્રવેશ ગેટ છે ત્યાં હવે મહિલા અને પુરુષો માટે 3 લાઇન થશે. અને મેઇન સિક્યુરિટી ગેટથી પ્રવેશ મેળવતાં જ પુરુષો માટે 3 અને સ્ત્રીઓ માટે 3 લાઇન માટેની રેલિંગ લગાડી દેવાઇ છે. જેથી લાંબી લાઇનને લીધે ભીડ નહીં લાગે અને લોકો આસાનીથી મંદિરમાં પ્રવેશી શકશે, તો પ્રસાદી કાઉન્ટર પણ પહેલાં 2 હતા એ વધારીને 5 કરાયા છે.
સોમનાથમાં નવા યાત્રી સુવિધા કેન્દ્રમાં ડોર્મેટરી કે જે 90 રૂપિયામાં રહી શકે તેમાં 40 બેડની એસી બેડ સુવિધા પણ યાત્રિકો માટે કરાઇ છે. આ સાથે અહીં પ્રથમ વખત વિનામૂલ્યે મોબાઈલ કેમેરા અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ડિજિટલ લોકરમાં યાત્રિકો મૂકી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે. પૂજાવિધિમાં સોમેશ્વર પૂજા પહેલાં 12 વાગ્યાની આરતી બાદ બંધ કરવામાં આવી હતી. એ હવે 2 સ્લોટમાં શરૂ કરાઇ છે.
આમ આરતી બાદ પણ ભક્તજનો 3 વાગ્યા સુધી સોમેશ્વર પૂજા કરી શકશે. તેમજ શ્રાવણના 30 દિવસ સુધી ભગવાન સોમનાથ મહાદેવને અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે જ્યારે સોમનાથમાં મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પણ શિવવંદના અને ભક્તિ ગીતોની સુરાવલીઓ સતત વાગતી રહેશે.
અન્નક્ષેત્ર માટે 5 અરજી આવી
શ્રાવણ માસ દરમિયાન સોમવારે તેમજ રજાના દિવસોમાં ફરાળ તેમજ રસોઇ પીરસવા માટે અન્નક્ષેત્રો શરૂ કરવાની 5 અરજી મળી છે. જેમાં સોમનાથ ટ્રસ્ટ જગ્યાની અનુકૂળતા મુજબ પરવાનગી આપશે.
બોક્સ...સફાઇ કામગીરીમાં નગરપાલિકા પણ જોડાશે
શ્રાવણ માસમાં પ્રભાસ તીર્થને સ્વચ્છ રાખવા માટે દિવસ અને રાત સફાઈ કર્મીઓની એક ટીમ સતત કામ કરતી રહેશે. તેની સાથે નગરપાલિકાની ટીમ પણ જોડાશે. સોમનાથ આવનાર ભાવિકોએ કચરો જ્યાં ત્યાં ન નાખવા અને કચરાપેટીનો ખાસ ઉપયોગ કરવા વિનંતી કરાશે.
દર્શન માટેનો રૂટ આ પ્રકાર...
વૃદ્ધો-અશક્તો માટે મંદિર સુધી વાહન
અશક્ત અને વૃદ્ધોને દર્શન કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓ આગામી શ્રાવણ માસ દરમિયાન કરાઇ છે. સોમનાથ મંદિરે આવતા બીમાર, અશક્ત કે વૃદ્ધ લોકો માટે વ્હિલચેર, ઈ-કાર અને મંદિર ખાતે લિફ્ટની પણ વ્યવસ્થા છે. જ્યારે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી અશક્ત ભાવિકોને વિનામૂલ્યે પહોંચાડવા માટે વાહનની પણ વ્યવસ્થા કરાઇ છે.
પોલીસ, એસઆરપી ઉપરાંત 100 જવાનો
સોમનાથ મંદિરને ઝેડ પ્લસ કેટેગરીની સિક્યુરિટી મળી હોવાથી પોલીસ અને એસઆરપી ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના 100 સિક્યુરિટી જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.