માછીમારોને મુશ્કેલી:બંદરો પર કાયમી અધિકારીની નિમણૂંક નહીં, ગીર-સોમનાથ ​​​​​​​જિલ્લાના 300 કિમી દરિયા કિનારા પર 10 જેટલા બંદરો પણ કામગીરી માટે 2 જ કચેરી

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના નવાબંદર ફીશરીઝ કચેરી સહિત 7 બંદરો ભગવાન ભરોસે હોય એમ ત્રણ-ત્રણ વર્ષથી કાયમી અધિકારીની નિમણૂંક ન કરાતા માછીમારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાનો 300 કિમી દરિયા કિનારામાં વેરાવળ થી જાફરાબાદ વચ્ચે 10 જેટલા નાના- મોટા બંદરો આવેલા છે અને બંદર પર ફિશીંગ વ્યવસાયની તમામ કામગીરી માટે 2 મુખ્ય કચેરી વેરાવળ અને જાફરાબાદ છે. અને ઘણા વર્ષથી ઊનાનંુ નવાબંદર, સૈયદ રાજપરા, સીમર, માઢવાડ, કોડીનારનું દ્વાર દ્રારકા, જાફરાબાદ, ચાંચ બંદર ધારાબંદર, પરાબંદર સહિતના વિસ્તારોની કામગીરી જાફરાબાદની મુખ્ય ફિશીરીઝ કચેરી સાથે સંકળાયેલ છે.

પરંતુ આ કચેરીઓમાં સ્ટાફના અભાવે માછીમારોની કામગીરી સમયસર થઈ શકતી નથી. જ્યારે નવાબંદરની પેટા વિભાગીય મદદનીશ નિયામકની જગ્યા પણ ખાલી પડી છે. સૈયદ રાજપરાની કચેરીમાં પણ અધિકારી, કર્મચારીની નિમણૂંક કરાઈ નથી.

અધિકારી નિમાય તો ગેરકાયદે પ્રવૃતિ અટકી શકે
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નાપાક પ્રવૃતિઓ કરનારાઓનો ડોળો મંડરાયેલ હોય એમા પણ નાદણ દરિયા કિનારે યમનની બોટનું અપહરણ કરી સોમાનીયાનાં ચાંચીયા ઘુસીયા હતા. બાદમાં મહારાષ્ટ્ર, કેરાળાની સેંકડો બોટ ઘુસી માછીમારો સાથે મારામારી, લૂંટફાટની ઘટનાઓ પણ બની હતી. આ ઉપરાંત દરિયા કિનારેથી ડ્રગ્સના પેકેટ પણ મળ્યા હતા. તેમજ દારૂની હેરાફેરીમાં પણ બોટોનો ઉપયોગ થતો હોય જેથી કાયમી અધિકારીઓ નીમી સતત મોનિટરીંગ કરવામાં આવે એ પણ જરૂરી છે.

શું કહે છે માછીમારો ? : આ અંગે માછીમારોએ કહ્યું હતું કે, યોજનાઓ અંતર્ગત લાભો પણ મળી શકતા નથી. તેમજ છૂટક લાયસન્સ પણ મળતા નથી અને રીન્યુ પણ થતા નથી. તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરાઈ નથી. આ સાથે ડેઝીંગ કે દવા છંટકાવ કે પછી બંદરોની લાઈટો પણ બંધ પડેલી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...