દિલ્હીના મુખ્યમંત્રી સોમનાથ પ્રવાસે:આગામી સપ્તાહમાં અરવિંદ કેજરીવાલ બે વખત સોમનાથ આવશે, મહાદેવના સાનિધ્યેથી ચૂંટણીલક્ષી બીજું વચન જાહેર કરશે

ગીર સોમનાથ (વેરાવળ)4 મહિનો પહેલા
  • એક વખત સોમનાથ મહાદેવની પૂજા કરવા માટે અને બીજી વખત ચુંટણી સભા સંબોધવા આવશે

ગુજરાતમાં આગામી વિધાનસભા ચુંટણીનો માહોલ જામી રહ્યો છે. એવા સમયે ચુંટણી લક્ષી બીજું વચન આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી તા.1 ઓગષ્ટના શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ સાનિધ્યે સભા સંબોધવા આવશે. તો આ પુર્વે ખાસ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરવા તા.26 ના રોજ સોમનાથ આવશે તેવુ આપ પાર્ટીના નેતાએ જણાવ્યુ છે. આ કાર્યક્રમને લઈ આપ પાર્ટીના કાર્યકરો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બે વખતના પ્રવાસને લઈ કાર્યકરો કામે લાગ્યા
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની આગામી વિધાનસભાની ચુંટણીની રણનીતી ઘડવા માટે વારંવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. એ અંતર્ગત આગામી અઠવાડિયામાં બે વખત કેજરીવાલ સોમનાથ આવનાર છે. ત્યારે આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઈ વાળાએ પત્રકાર પરીષદ યોજી પ્રવાસ અને કાર્યક્રમની વિગતો આપી હતી.​​​​​​​

ભાવિકોને અગવડતા ન પડે એટલે ખાસ દર્શન કરવા આવશે
​​​​​​​
જેમાં તેમણે જણાવેલ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રથમ તા.25 મીની રાત્રીના હવાઇમાર્ગે સોમનાથ આવી બીજા દિવસે સવારે સોમનાથ મંદિરે મહાદેવની પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરશે. આ દિવસે કેજરીવાલ ખાસ એટલે સોમનાથ આવી રહ્યા છે. કારણ કે, તા.1 લી ઓગષ્ટને સભાના દિવસે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી સોમનાથ મંદિરે લાખો લોકો દર્શનાર્થે આવતા હોય તેઓને કોઈ અગવડતા ના પડે એટલે આવી રહયા છે. કેમ કે કેજરીવાલ તે દિવસે દર્શન કરવા જાય તો તેમના મુખ્યમંત્રી તરીકેના પ્રોટોકોલ મુજબ મંદિરમાં અનેક નિયમોનું પાલન ફરજીયાત કરાવવું પડે જેનાથી ભાવિકોને પરેશાની થઈ શકે એટલે અગાઉ ખાસ દર્શન કરવા આવી રહ્યા છે.​​​​​​​

ત્રણ વિધાનસભા બેઠકના લોકોને સંબોધશે
​​​​​​​
જ્યારે બીજી વખત તા.1 ઓગષ્ટના રોજ બપોરે 2 વાગ્યે સોમનાથ સાનિધ્યે વેરાવળના કેસીસી ગ્રાઉન્ડમાં સભા સંબોધવા આવશે. આ સભા સોમનાથ, તાલાલા અને માંગરોળ વિધાનસભા સીટ માટેની હોવાથી ત્રણેય વિસ્તારોમાંથી 20 થી 25 હજારની જનમેદની ઉમટશે તે મુજબની વ્યવસ્થાઓ સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સભા માટે જરૂરી મોટાભાગની મંજુરીઓ મેળવી લેવામાં આવી છે. સભામાં મોટી સંખ્યામાં સ્વયંભુ લોકો ઉમટી પડશે તેવી આશા હોવાથી અલાયદી.પાર્કીંગ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જેનાથી સ્થાનીક લોકોને કોઈ હેરાનગતિ ન થાય.

લોકોને ચુંટણીલક્ષી બીજું વચન આપશે
વધુમાં જગમાલભાઈ વાળાએ જણાવેલ કે, સુરતમાં 300 યુનિટ વીજળી ફ્રી નું વચન આપ્યુ છે. તેવું જ બીજું વચન કેજરીવાલજી તા.1 લી ઓગષ્ટની સોમનાથની જાહેરસભામાંથી જાહેર કરી લોકોને આપશે. આ સભામાં મોટી સંખ્યામાં અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમના ટેકેદારો સાથે તેમજ જુદા જુદા સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આપ પાર્ટીમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...