તંત્રની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ:ધારાસભ્ય અને સાંસદ બદલાયા પણ સાત વર્ષમાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેની અવદશા ન બદલાતાં ચાલકોમાં રોષ

ગીર સોમનાથ (વેરાવળ)14 દિવસ પહેલા
  • દર ચોમાસામાં 3થી 10 ફુટ સુધીના ખાડાઓ પડી જતા હોવા છતાં તંત્રની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ
  • નેશનલ હાઇવેનું કામ સમયસર પુરૂ ન થવાથી અકસ્માતના જોખમ સાથે પસાર થવા ચાલકો મજબુર

તાજેતરમાં પડેલ ભારે વરસાદના પગલે જિલ્લાનો મહત્વનો એવો નિર્માણાધિન સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે ઉપર 1 થી 10 ફૂટ સુધીના ગાબડાઓ પડી ગયા હોવાથી ખાડા માર્ગમાં તબદીલ થઈ ગયો છે. જેના કારણે ચાલકોને વાહનો પસાર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. દરરોજ અનેક વાહનો ઠેરઠેર ફસાઈ જતા હોવાથી લાંબા ટ્રાફીક જામ પણ થઈ રહ્યો છે. આ હાઈવે પર સોમનાથ-ઉના વચ્ચેનું 90 કીમીનું અંતર કાપતા ચારેક કલાક જેવો ખાસો સમય પસાર થઈ રહ્યો છે. છેલ્લા સાત વર્ષથી ગોકળગતીએ કામ ચાલી રહ્યુ હોવાથી દર ચોમાસાની સીઝનમાં આ નેશનલ હાઈવે ખાડા માર્ગ બની જતો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો હોવા છતાં જવાબદાર તંત્ર નક્કર આયોજનપૂર્વકની કામગીરી ન કરતું હોવાથી લોકોમાં રોષ પર્વતેલ છે.

હાઈવેનું ગોકળગતીનું કામ સરકારી બાબુઓની બેદરકારી છતી કરવા સમાન
સને.2016 ના વર્ષમાં દેશના પ્રથમ જ્યોતિલીંગ સોમનાથથી ભાવનગર વચ્ચેના 280 કીમીના નેશનલ હાઇવે બનાવવાની કામગીરી શરૂ થયેલ ત્યારે કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું હતુ. જે ન થતા સમય મર્યાદા વધુ 22 માસ વધારવામાં આવી હતી. પરંતુ આ 22 માસના આજે ચાર-ચાર વર્ષ વીતી જવા છતાં હાઈવેનું કામ પુરૂ થયુ નથી. બેજવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા સમયસર હાઈવેનું કામ પુરૂ કરાવવાની તસ્દી ન લેવાતી હોવાથી પ્રજા હેરાન થઈ રહી છે. આ નિર્માણધીન હાઈવે છેલ્લા સાત વર્ષથી દર ચોમાસે ખાડા માર્ગ બની જતો હોવાથી વાહનચાલકો ત્રાસી જતા હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતુ નથી.

હાઈવે ઉપરથી કાચબા ગતિએ વાહનો પસાર થવા મજબુર
આ નેશનલ હાઈવેના ગોકળગતીએ ચાલતા કામના કારણે ચોમાસામાં 1 થી 10 ફૂટ સુધીના મસમોટા ખાડાઓ પડી જાય છે. દરમ્યાન ચાલુ વર્ષે છેલ્લા પંદર દિવસમાં પડેલ ભારે વરસાદના પગલે હાઈવે ફરી ખાડા માર્ગ બની જતા વાહનો પસાર કરવામાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાઈવેમાં સોમનાથ- કોડીનાર વચ્ચેના 45 કીમીમાં મસમોટા ખાડાઓ પડી જતા અતિબિસ્માર બની ગયો છે. જેના લીધે દરરોજ અનેક વાહનો ફસાઈ રહ્યા હોવાથી લાંબો ટ્રાફીક જામ થઈ જાય છે. જેમાં ગઈકાલે અમરાપુર ગામના પાટીયા પાસે એક લોડેડ ટ્રક માટીમાં ફસાઈ ગયાના દ્રશ્યો સામે આવેલ હતા. તો હાઈવે પર પડેલ ખાડાઓની મરામત ન થતા વાહનો કાચબા ગતિએ પસાર થઈ રહ્યા છે. જેના લીધે આજે સવારથી હાઈવે ઉપર કાજલી યાર્ડથી સુત્રાપાડા ફાટક વચ્ચે અંદાજે એકાદ કીમી લાંબો ટ્રાફીક જામ થઈ ગયો હતો. બંન્ને તરફ વાહનોની લાંબી લાઈનો જોવા મળતી હતી. આ જામમાં દર્દીને લઈ જતી એક 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે મહામુસીબતે જામમાંથી એમ્બ્યુલન્સને કાઢવામાં આવી હતી. આવી અનેક યાતનાઓ જિલ્લાના લોકો અને વાહન ચાલકો ભોગવી રહ્યા છે. જ્યારે ચોમાસા સિવાય ઘીમા કામના કારણે આડેધડ રીતે કઢાયેલા ડાયવર્ઝનો પણ ચાલકોને હેરાન કરી રહ્યા છે.

હાઈવેને લઈ શેખ ચીલીના સપનાઓ દેખાડ્યા - સ્થાનિકો
સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે બનાવવા પાછળ જિલ્લાના પ્રખ્યાત સોમનાથ- સાસણગીર અને દિવ શહેરને વિશ્વમાં પર્યટનક્ષેત્રેનું હબ બનાવવાનો હેતુ છે. આ સાથે હાઇવે મત્‍સ્‍યોદ્યોગના હબ એવા વેરાવળ બંદરને અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ સાથે જોડતો હોવા ઉપરાંત આ વિસ્‍તારમાં કાર્યરત અંબુજા, સિઘ્‍ઘી, જીએચસીએલ, રેયોન જેવા મોટા ઉઘોગોને પણ જોડતો હોવાથી ઉઘોગો મોટા પ્રમાણમાં વિકસી શકે તો સ્‍થાનીક રોજગારી પણ વધારવાનો હોવાનો આશ્રય સરકારનો હતો. આગામી વર્ષોમાં આ હાઇવે ગીર સોમનાથ જિલ્લાના વિસ્‍તારના વેપારશ્રેત્ર માટે પાયાનો પથ્‍થર બની રહેશે તેવો મત નિષ્‍ણાંતો વ્યક્ત કરતા હતા. પરંતુ હાલની આ હાઈવેની જે પ્રકારે કામગીરી થઈ રહી છે. તે જોતા કેટલા વર્ષો પછી સરકારે હાઇવેથી થનારા વિકાસના દેખાડેલા સપનાઓ પુરા થશે તે જોવું રહ્યુ.

બે ચુંટણીઓ આવીને ગઈ પણ હાઈવેની બદતર હાલત એની એ જ રહી
અત્રે નોંધનીય છે કે, એક તરફ સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવેનું કામ સાત વર્ષથી ગોકળગતીએ ચાલી રહ્યુ છે. આ સમયગાળા દરમ્યાન એક વખત વિધાનસભાની તથા એક વખત સાંસદની ચુંટણી આવી હોવાથી ધારાસભ્યો અને સાંસદ બંન્ને એક એક વખત બદલી ગયા હોવા છતાં પણ નેશનલ હાઈવેની અવદશા આજદીન સુધી ન બદલતા પ્રજામાં નારાજગી પ્રવર્તેલ છે.

નેતાઓ દેખાવ અને અંગત હિતોને લઈ વિરોધ કરતા હોવાની લોકચર્ચા
તો બીજી તરફ આ નેશનલ હાઈવે જ્યારે જ્યારે અતિબિસ્માર બન્યો છે ત્યારે અનેક નેતાઓ મેદાનમાં આવી જઈ વિરોધરૂપી લોક આંદોલનો અને રજુઆતો કરી પ્રજાના પ્રહરી હોવાનો ઢોંગ પણ કરતા જોવા મળ્યા છે. તો સત્તાધારી પક્ષના નેતાઓ મૌન ધારણ કરીને લોકોની વેદનાનો તમાશો નિહાળે છે. આવું કરવા પાછળ ક્યાંક ને ક્યાંક નેતાઓના અંગત હિતો સાધતા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહેલો છે. તેના કારણે જ હાઈવેનું નવીનીકરણ કામગીરી સમયસર પુરૂ થવાના બદલે લંબાતી જતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...