રસ્તો ઓળંગતી દીપડીને નડ્યો અકસ્માત:કોડીનાર-ઉના હાઇવે પર અજાણ્યા વાહને દીપડીને હડફ્ટે લેતા સ્થળ પર જ મૃત્યુ; વન વિભાગે અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-ઉના હાઈવે ઉપર દેવળી ગામ નજીક ગત રાત્રીના રસ્તો ઓળંગી રહેલી દીપડીને અજાણ્યા વાહને અડફેટે લેતા સ્થળ પરજ દીપડીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા વનવિભાગના અધિકારી સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યા હતાં. વન વિભાગે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી. જયારે દીપડીના મૃતદેહને નજીકના જામવાળા એનીમલ કેર સેન્ટર ખાતે પોસમોર્ટમ કરાવવા લઈ જવામાં આવી હતી.

દીપડીને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતાં ઘટનાસ્થળે મોત
ગીર સોમનાથ જિલ્લાનો ઘણો વિસ્તાર ગીર જંગલ બોર્ડરની આસપાસ આવેલો હોવાથી છાશવારે સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓ માનવ વસાહત વાળા વિસ્તારોમાં આંટાફેરા કરતા જોવા મળે છે. તો ઉના-કોડીનાર હાઈવે ઉપર અનેક વખત રોડ પર આવી ચડેલા દીપડા વાહનોની ઠોકરે પણ ચડયાની ઘટનાઓ બની છે. દરમ્યાન ગત મોડી રાત્રીના ફરી આવી એક ઘટના બની હતી. જેની પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડીરાત્રીના કોડીનાર - ઉના હાઇવે ઉપર દેવળી ગામના ફાટક પાસે રસ્તો ઓળંગી રહેલી દીપડીને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતાં દિપડીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

દીપડીની ઉંમર પાંચેક વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું
અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી ગયો હતો, એ સમયે હાઈવે ઉપરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકોના ધ્યાને દીપડીનો મૃતદેહ આવતા તુરંત જ ઘટનાની જાણ આર.એફ.ઓ. ગોપાલસિંહ રાઠોડને કરતાં તેઓ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલી દીપડીની ઉંમર પાંચેક વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. તેના મૃતદેહને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવી હતી. આ અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકની ઓળખ મેળવવા વન વિભાગે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો દીપડીના મૃતદેહને નિહાળવા ઉમટી પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...