આગામી મકરસંક્રાંતિ પર્વને લઈ રાજ્યના દરેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે સદભાવના ગ્રાઉન્ડ ખાતે G-20 થીમ આધારિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની દબદબાભેર ઉજવણી થઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા તેમજ આંતરરાષ્ટ્રીય કાઈટ ફ્લાયર્સના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈન્ડોનેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ, મેક્સિકો સહિતના 16 દેશો અને પુડ્ડુચેરી, તેલંગાણા, સિક્કિમ, રાજસ્થાન સહિતનાં સાત રાજ્યોમાંથી આવેલા કુલ 59 જેટલા કાઈટ ફ્લાયર્સે વિવિધ રંગબેરંગી આકર્ષક પતંગો ઉડાવી પોતાની પતંગકલા દર્શાવી હતી.
મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં
પતંગોત્સવના પ્રારંભે પરંપરાગત જુદી જુદી શાળાઓની વિધાર્થીનીઓએ રજુ કરેલા નૃત્ય સહિતના પરંપરાગત કાર્યક્રમો નિહાળી તમામ કાઈટ ફ્લાયર્સ મંત્રમુગ્ધ બન્યાં હતાં. પતંગોત્સવમાં આઈ લવ મોદી, G20 થીમ પતંગ, જેલીફિશ, બેટમેન, રિંગ કાઈટ, ઓક્ટોપસ અને કોબ્રા સહિતના પતંગો સોમનાથના આકાશમાં છવાઈ ગયા, જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્રરૂપ બન્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો પણ પતંગોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાતની સંસ્કૃતિ જાણવાનો અનેરો મોકો
આ તકે પતંગોત્સવ નિહાળવા ગ્રાઉન્ડ ઉપર આવેલા હરીદ્વારના યાત્રીક સંજયકુમાર એ જણાવ્યું કે, અમો અહીં સોમનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. અહીં પતંગોત્સવની જાણ થતાં અમો નિહાળવા અત્રે આવ્યા છીએ. અહીં દેશ-વિદેશના પતંગવીરોની કલા જોવાનો તથા અવનવી પતંગો આકાશમાં ઉડાડતી પતંગોના પેચ લડાવતા નિહાળવાનો રોમાંચ અનુભવ્યો છે. આ પતંગોત્સવ થકી ગુજરાતની સંસ્કૃતિ જાણવાનો અનેરો મોકો મળ્યો છે.
પહેલીવાર હું સોમનાથની પાવન ધરતી પર આવ્યો છું: મોહમ્મદ ફાઝિલ અલી
મલેશિયાના પુત્રજયાના જિલ્લા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલિસ મિસ્ટર મોહમ્મદ ફાઝિલ અલીએ પણ ગીર સોમનાથ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે ચગાવેલા વિવિધ પોલિસ પતંગ આકાશમાં હવાઈ પેટ્રોલિંગ કરતાં જોવા મળ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, પહેલીવાર હું સોમનાથની પાવન ધરતી પર આવ્યો છું અને પતંગ ઉડાવવાનો રોમાંચ અનેરો છે. આ સમગ્ર આયોજન બદલ ગુજરાત સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું. મને આ અનુભવ જીવનભર યાદગાર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.