સોમનાથમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે:દેશ-વિદેશના પતંગવીરો આપસમાં પેચ લડાવશે; તૈયારીઓને લઈ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

જગવિખ્યાત સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં તા.11 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 યોજાનાર છે. જેના આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં તમામ વિભાગના અધિકારીઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં આયોજનને લઈ કરવાની થતી તૈયારીઓને લઈ જુદી જુદી સમિતિઓની રચના કરી વિવિધ મુદ્દે સંબંધિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આયોજનને લઈ જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે સદભાવના ગ્રાઉન્ડ ખાતે આગામી તા.11 જાન્યુ.ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેમાં દેશ-વિદેશમાંથી અનેક પતંગવીરો ભાગ લેવા આવનાર છે. ત્યારે આ પતંગ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન થાય તે માટે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલે કન્વીનર અને સહકન્વીનર અધિકારીઓ સાથે બેઠક યોજી સંવાદ કરી આયોજનને લઈ જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું.

પતંગ મહોત્સવ નિહાળવા લોકો આવે તેવી અપીલ
બેઠકમાં પતંગ મહોત્સવને લઈ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રહેવાની, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, સુરક્ષા સલામતી જેવા મુદ્દાઓ અંગે વિચારવિમર્શ કરી જુદી જુદી સમિતિઓની રચના કરી મહોત્સવ ભવ્ય, શાનદાર, સુવ્યવસ્થિત રીતે ઉજવાય તે અંગે તૈયારીઓ કરવાને લઈ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ પતંગ મહોત્સવનો વધુમાં વધુ લોકો લાભ લે એ રીતે આયોજન કરવા પણ સૂચન કરાયુ હતું. આ પતંગ મહોત્સવ નિહાળવા અને લ્હાવો લેવા લોકો આવે તેવી તંત્રએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...