'આપ'ના સુપ્રીમો સોમનાથના શરણે:કેજરીવાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજારોહણ સાથે પ્રાર્થના કરી, રાજકીય કે લઠ્ઠાકાંડ મુદ્દે બોલવાની સ્પષ્ટ ના પાડી

ગીર સોમનાથ (વેરાવળ)23 દિવસ પહેલા
  • મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી

બે દિવસની સોમનાથ-રાજકોટની મુલાકાતે આવેલા આપના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મહાદેવના દર્શન કરી સોમનાથ સાનિધ્યેથી રાજકીય મુદે વાતચીત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને બોટાદમાં થયેલ કથીત લઠ્ઠાકાંડ મુદે પણ કંઈ બોલવાનું ટાળીને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું.

દેશની સુખ-શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોના નેતાઓના પ્રવાસ વધી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સોમવારની રાત્રીના સોમનાથ પહોંચી રોકાણ કર્યુ હતુ. બાદ આજે સવારે રાજ્યના આપ પાર્ટીના નેતાઓ સાથે કેજરીવાલ સોમનાથ મંદિરે પહોંચી મહાદેવની પૂજા-અર્ચના સાથે ધ્વજાપુજા કરી દેશ અને દેશવાસીઓની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ તકે આપના ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, જગમાલભાઈ વાળા સહિતના અગ્રણીઓ સાથે રહ્યાં હતા. અહીંથી કેજરીવાલ તેમના કાફલા સાથે રાજકોટ જવા રવાના થયા હતા.

અહીં ભક્તિ કરવા આવ્યા છીએ એટલે રાજકીય વાત નહીં કરૂ
મહાદેવને શીશ ઝુકાવી બહાર નીકળ્યા બાદ અરવિંદ કેજરીવાલએ મિડીયા સાથે વાતચીતમાં જણાવેલ કે, સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તિ કરવા જ આવ્યા છીએ. જેથી અહીં રાજકારણની કોઈ વાત નહીં કરવાનું કહી સ્પષ્ટ ના પાડી દીધી હતી. દેશની અને લોકોની પ્રગતિ માટે મહાદેવને પ્રાર્થના કરી છે. બોટાદની ઘટના દુઃખ દાયી છે જેમાં 20 થી વધુના લોકોના મૃત્યુ થયુ છે. તેમના આત્માને શાંતિ અર્પે એવી તેવી તેમજ સારવારમાં ગંભીર અવસ્થામાં રહેલા તમામ લોકો સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.

અત્રે નોંધનીય છે કે, ખાસ સોમનાથ મહાદેવની પૂજા- અર્ચના કરવા આવેલ આપના નેતા કેજરીવાલએ સોમનાથ મહાદેવના સાંનિધ્યથી રાજનીતી કે બોટાદના લઠ્ઠાકાંડ મુદે સીધી રીતે કઈ પ્રહારો કરવાનું ટાળતા રાજકીય વર્તુળોમાં અનેક ક્યાસો લગાવવામાં આવી રહ્યા છે. તો આ મુદ્દાઓ ઉપર રાજકોટ અથવા ભાવનગર ખાતે બોલશે તેવો આડકતરો ઈશારો પણ મિડીયા સાથેની વાતચીતમાં કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...