તાલાલા તાલુકાના રસુલપરા ગીર ગામ રહેતા ગરીબ વિધવા મહિલાએ મજુરી કરી બચાવેલી મરણ મુડી સમાન રૂ.60 હજાર રોકડા તથા સોનાના દાગીના મળી કુલ રૂ.1.60 લાખના માલમતાની કોઈ તસ્કર દોઢેક મહિના અગાઉ ચોરી કરી ગયો હતો. જેને લઈ સ્થાનીક પોલીસ ફીફા ખાંડતી હોય તેમ તસ્કર પકડી શકી ન હોવાથી થોડા દિવસો પહેલા વૃધ્ધાએ પોલીસવડા તથા મીડીયા સમક્ષ વેદના રજુ કરી ન્યાય અપાવવા માંગણી કરી હતી. ત્યારપછી ગઈકાલે એલસીબીએ બાતમીના આધારે વૃધ્ધાના ઘરે ચોરી કરનાર તસ્કરને રોકડ તથા રૂ.37 હજારના મુદ્દામાલ સાથે તાલાલા શહેરમાંથી જ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાલાલા તાલુકાના રસુલપરા ગીર ગામે રહેતા વૃઘ્ધ વિધવા શ્રમજીવી રાજી ભીમભાઈ મકવાણાના ઘરને ધોળા દિવસે તસ્કરોએ નિશાન બનાવી ખાતર પાડ્યુ હતુ. જેમાં રાજીબેન એ કાળી મજૂરી કરી બચાવેલ રૂ.60 હજાર રોકડા તથા સોનાની કાનની બુટીની જોડી, ત્રણ નાકના દાણા, એક સોનાની આછી બાલી, સોનાની નથડી, પાંચ સ્ટીલના ડબ્બા સહિત કુલ રૂ.1.60 લાખની માલમત્તાની તસ્કર ચોરી કરી જતા શ્રમજીવી માજી નોંધારા થઈ ગયા. આ ચોરી અંગે તાલાલા પોલીસમાં લેખિત ફરિયાદ આપીને બે શખ્સો ઉપર શંકા વ્યક્ત કરી નામ આપવાની સાથે પોતાની ચોરાયેલ મરણ મુડી પરત અપાવવા માંગણી કરી હતી. તેમ છતાં પોલીસે ઠોસ કાર્યવાહી કરી ન હતી.
જેથી થોડા દિવસો પહેલા વૃધ્ધાએ જિલ્લા પોલીસ કચેરીએ જઈ પોલીસવડા સમક્ષ અને બાદમાં સ્થાનીક મીડિયાની ઓફીસે જઈ પોતાની આપવીતી જણાવી ન્યાય અપાવવા મદદરૂપ બનવા આજીજી કરી હતી. જેને પગલે ચોરીનો કેસ ઉકેલવા માટે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનીકલ સોર્સ મારફત મળેલી માહિતી અને બાતમીના વૃધ્ધાના ઘરે ચોરી કરનાર તસ્કર હારૂન ઉકા મોરીને ગઈકાલે તાલાલામાં રેલ્વે ફાટક પાસેથી એલસીબીના નરેન્દ્ર કછોટ સહિતના સ્ટાફે ઝડપી પાડ્યો હતો.
તેની પાસેથી રૂ.22,500 રોકડા તથા સોના ચાંદીના નાના મોટા દાગીના કિ.રૂ.10 હજાર મળી કુલ રૂ.37,500નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીનો અન્ય મુદ્દામાલનું શુ કર્યું તે જાણવા તથા આરોપી અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે સવાલોના જવાબ મેળવવા વધુ પુછપરછ હાથ ધરી હોવાનું એલસીબી પીઆઈ એ.એસ. ચાવડાએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.