તાલાલામાં તાંત્રિક વિધિનો વિચિત્ર બનાવ:જશાધાર ગીર ગામે ખેતરમાં તાંત્રિક વિધિ કરી રૂ.50 હજારનું નુકસાન પહોંચાડ્યું; તપાસ કરવા ખેડૂતની માગ

ગીર સોમનાથ (વેરાવળ)9 દિવસ પહેલા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જશાધાર ગીર ગામે ખેતરમાં ચોરી કરવા આવેલ તસ્કરોએ ચોરી કરવાના બદલે ખેડૂતના ખેતરમાં તાંત્રિક વિધિ કરી હોય તેવા નિશાનો જોવા મળવાની સાથે અડધા લાખનું નુક્સાન કર્યાની વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સવારે ખેતરે પહોંચેલ ખેડુત આ નિહાળતા આશ્ચર્યચકિત બની ગયો હતો. આ વિચિત્ર ઘટનાની વાત ગામ સહિત પંથકમાં પ્રસરી જતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરવાની સાથે અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. આ વિચિત્ર ઘટનાની વિગતો સાથેની લેખિત અરજી ખેડૂતે પોલીસને આપીને તપાસ કરી સત્ય બહાર લાવવા માંગણી કરી છે.

જસાધાર ગીર ગામમાં તાંત્રિક વિધિનો બનાવ
થોડા સમય પુર્વે જ તાલાલા ગીર પંથકના ઘાવા ગામમાં એક પરિવારે અંધશ્રધ્ધાની આડમાં તાંત્રિક વિધિ કરી માસુમ દિકરીની બેરહેમીપૂર્વક હત્યા કર્યાની ઘટનાની સાહી હજુ સુકાઈ નથી. એવા સમયે પંથકના જસાધાર ગીર ગામના એક ખેડૂતના ખેતરમાં ચોરી કરવા આવેલા અજાણ્યા તસ્કરોએ તાંત્રિક વિધિ કરી વૃક્ષને સળગાવવાનો પ્રયત્ન કર્યાની વિચિત્ર ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. જે અંગે જશાધાર ગીરના ખેડૂત તુલસીભાઈ રામોલિયાએ તાલાલા પોલીસને આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ખેતરમાં ચારેક દિવસ અગાઉ રાત્રીના સમયે આવેલ અજાણ્યા શખ્સોએ ખેતરમાં તાંત્રિક વિધિ કરી ઈલેક્ટ્રીક મોટર તથા સિંચાઇનું પાણી આપવાના પાંચ વાલને આગ લગાવી 50 હજારનું નુકસાન કરી જતા રહ્યા હતા.

ખેતરમાં અબીલ-ગુલાલનું રાઉન્ડ સાથે ખીલી મારેલ લીંબુ મળ્યું
જેની જાણ બીજા દિવસે સવારે ખેડૂત તુલસીભાઈ ખેતરે ગયેલ ત્યારે થઈ હતી. આ સમયે ખેતરમાં અબીલ-ગુલાલનું રાઉન્ડ સાથે ખીલી મારેલ લીંબુ રાખેલ જોવા મળેલ હતુ. આ ઉપરાંત ખેતરમાં પાણી પાવવા માટેના વાલને સળગાવામાં આવેલ સાથે એક વૃક્ષને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જોવા મળતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વિચિત્ર ઘટનાની વિગતો ગામ સહિત ગીર પંથકમાં પ્રસરી જતા ગ્રામજનો ભયભીત થઈ ગયા છે. ત્યારે આ વિચિત્ર ઘટના અંગે ખેડૂતે કરેલ અરજીને ગંભીરતાથી લઈ આવું કરવા પાછળનો ઈરાદો શું છે? આવી વિચિત્ર ઘટનાને અંજામ કોણે અને કેટલા લોકોએ આપ્યો? આવા અનેક સવાલોના જવાબો પોલીસે તપાસ કરીને મેળવવાની સાથે આરોપીઓને ઝડપી પાડવા જોઈએ તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...