ગીર સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે જી-20 થીમ આધારિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી થઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા તેમજ આંતરરાષ્ટ્રીય કાઈટ ફ્લાયર્સના હસ્તે દીપ પ્રાગ્ટ્ય કરાયું હતું. જે પછી ઈન્ડોનેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ, મેક્સિકો સહિતના 16 દેશો અને પુડ્ડુચેરી, તેલંગાણા, સિક્કિમ, રાજસ્થાન સહિતના 7 રાજ્યોમાંથી આવેલા 59 જેટલા કાઈટ ફ્લાયર્સે વિવિધ પતંગો ઉડાવી પોતાની પતંગકલા દર્શાવી હતી.
જેમાં આઈ લવ મોદી, જી-20 થીમ પતંગ, જેલીફિશ, બેટમેન, રિંગ કાઈટ, ઓક્ટોપસ, કોબ્રા સહિતના પતંગો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ ઢોલ-શરણાઈના સૂર અને કુમકુમ તિલકથી તમામ કાઈટ ફ્લાયર્સનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
જે પછી દ્રોણેશ્વર સ્વા. ગુરૂકુળના છાત્રોએ યોગવંદના દર્શાવી હતી. જ્યારે સંસ્કૃત યુનિ.ના છાત્રોએ સૂર્યનમસ્કાર કરી સૂર્યદેવને અંજલિ આપી હતી. આજોઠા કન્યાશાળાની છાત્રાઓએ રંગભરી રાધા લાવણ્યનૃત્ય કર્યુ હતું. જ્યારે અધ્યાપન મંદિરની છાત્રાઓ મારૂ મન મોર બની થનગાટ કરે પર નૃત્ય કર્યુ હતું. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ભાવેશભાઈ ઉપાધ્યાયે તમામને 25 હજારનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતાં.
પરંપરાગત કાર્યક્રમ નિહાળી તમામ કાઈટ ફ્લાયર્સ મંત્રમુગ્ધ બન્યાં હતાં. આ તકે નાયબ કલેક્ટર ભૂમિકાબહેન વાટલિયા, પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયા, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો પણ પતંગોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. }તસવીર - તુલસી કારીયા, રાજેશ ભજગોતર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.