કાયદાઓની ગુંચવણ:વેરાવળ સોમનાથમાં કાયદાઓના જુદા અર્થઘટનોથી વકીલોમાં ભારે નારાજગી, બાર એસો.એ કલેક્ટરને નિરાકરણ લાવવા માંગણી કરી

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

વેરાવળ સોમનાથ શહેરમાં છેલ્લા બે મહિનાઓથી કાયદાઓનું જુદુ જુદું અર્થઘટન કરી એન્ટ્રીઓ પાડવાની કામગીરી બંધ કરાતા તથા વારસાઈ મિલકતની નોંધ ગામ નમુના નં.2માં પડેલ હોવા છતાં ફરી નોંધ પડાવવાનું કહેવાતા મુશ્કેલીઓ સાથે ગુંચવણભરી સ્થિતિ ઉભી થઈ છે. જેનું નિરાકરણ લાવવા માટે વેરાવળ બાર એસો. તથા રેવન્યુ પ્રેકટીશનર એસો.એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિસ્તાર પુર્વક રજુઆત કરી છે.

એક તરફ રાજ્યમાં જટીલ કાયદા-પ્રક્રિયાઓ દૂર કરી સરળ વહીવટ થકી લોકોના કામો કરાતા હોવાની રાજ્ય સરકાર જાહેરાતો કરી રહી છે. એવા સમયે જિલ્લા મથક વેરાવળ-સોમનાથ શહેરમાં સિટી સર્વે કચેરીના અધિકારીઓ કાયદાઓના જુદા જુદા અર્થઘટનો કરતા હોવાથી મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જાય છે. જેને લઈ બાર એસો.ના પ્રમુખ એસ.એન. સવાણીની આગેવાનીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ઉદભવેલ મુશ્કેલીઓ ત્વરીત દૂર કરી નિરાકરણ લાવવા માંગણી કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઘણા સમયથી વેરાવળ સિટી સર્વે કચેરીમાં અડધા પ્લોટની નોંધ પાડવામાં આવતી હતી, પરંતુ છેલ્લા બે માસથી કાયદાઓનું અલગ અલગ અર્થઘટન કરીને અડધા પ્લોટની એન્ટ્રીઓ પાડવાનું બંધ કરી દેવાતા મુશ્કેલી સર્જાય છે. જયારે વારસાઈ મિલકતની નોંધ ગામ નમુના નં.2માં પડેલ હોવા છતાં સિટી સર્વે કચેરીમાં ફરી નોંધ પાડવી પડે તેવુ જણાવવામાં આવે છે. તે બાબતે મોટી ગુંચવણભરી સ્થિતિ ઉભી થાય છે. કેમ કે, અગાઉ થોડા સમય માટે હક્કપત્રક-સીમાં નોંધ પાડવામાં આવતી અને બાદમાં ગામ નમુના નં.2માં નોંધ પાડવામાં આવતી હતી, પરંતુ ઘણા સમયથી હક્કપત્રક–6માં નોંધ પાડવાનું બંધ ક૨વામાં આવી છે. તેવી નોંધમાં હક્કપત્રક-6ની નોંધ માગવામાં આવે છે, જયારે નોંધ પાડવામાં જ આવેલ ન હોય તો તેની નોંધ કયાથી લાવવી? જયારે ગામ નમુના નં.2માં ઉત્તરોત્તર તમામ નોંધો મળી આવતી હોવાથી ટાઈટલ કે માલિકી હક્કને નુકશાન થતું નથી, તેમ છતાં બિનજરૂરી અર્થઘટનથી એન્ટ્રીઓ પાડવામાં આવતી નથી.

આવી રીતે કાયદાઓનું અલગ અલગ અર્થઘટન કરીને કામગીરી કરવાનું બંધ કરી દેતા ગુંચવણ સાથે મુશ્કેલી વધી છે. જેનું સત્વરે નિરાકરણ આવે અને અગાઉની માફક ફરી કામગીરી ચાલુ રહે તેવી માંગણી કરાઈ છે. જેના પ્રત્યુત્તરમાં જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે જવાબદાર અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય સકારાત્મક કાર્યવાહી હાથ ધરી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરાશે. જેમાં જરૂર જણાશે તો જવાબદાર અધિકારી તેમજ રેવન્યુ પ્રેકટીશનર એસો.ના પ્રતિનિધિઓને સાથે બેઠક યોજીને નિવા૨ણ લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...