માલધારી સમાજ આકરા પાણીએ!:વેરાવળ પંથકમાં ભાજપના નેતાઓએ મત માંગવા આવવું નહીં ના બેનરો લાગ્યા; વિરૂધ્ધ મતદાન કરવાની આગેવાનોની જાહેરાત

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

વેરાવળ શહેરના રબારી સમાજના લોકો રહેતા હોય તેવા વિસ્તારો તથા તાલુકાના અનેક ગામોમાં રબારી, ભરવાડ, ચારણ અને માલધારી સમાજ દ્વારા જાહેરચોક અને વિસ્તારોમાં બોર્ડ લગાડી ભાજપ સરકાર માંગણી નહીં પુરી કરે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓની વિરૂધ્ધ મતદાન કરી વિરોધ દર્શાવવાની જાહેરાત કરી છે. આ સાથે સમાજની માંગણી સંદર્ભે આગામી દિવસોમાં બાઈક યાત્રા કાઢવાનું પણ આયોજન કરવામાં આવી રહેલ હોવાનું માલધારી આગેવાનોએ જણાવ્યું હતું.

અમારા વિસ્તારમાં પ્રવેશવું નહીંના હોડીંગો લાગ્યા
છેલ્લા ચારેક દિવસથી રબારી, ભરવાડ, ચારણ અને માલધારી સમાજ પોતાની સરકાર સમક્ષની માંગણીઓને લઈ આક્રમક થઈ વિરોધના કાર્યક્રમો આપવા મેદાનમાં આવ્યા છે. જેમાં વેરાવળ શહેરના નવા અને જૂના રબારીવાડા વિસ્તારોમાં તથા તાલુકાના અનેક ગામોમાં રબારી, ભરવાડ, ચારણ, માલધારી સમાજ દ્વારા જાહેરમાં મત માંગવા ભાજપના આગેવાનોએ અમારા વિસ્તારમાં પ્રવેશવું નહીં તેવા બોર્ડ, હોડીંગો મારી સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. વધુમાં છેલ્લા બે દિવસથી શહેર પંથકમાં વસતા ત્રણેય સમાજના લોકોના ઘરની બહાર પણ આવા સ્ટીકરો લગાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. સ્ટીકરો અને બેનરોમાં ભાજપ સરકાર દ્વારા અન્યાય કરાઈ રહ્યો હોવાની લાગણી સાથે માલધારી વિરોધી સરકાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ પ્રદર્શન
આ વિરોધ અંગે વેરાવળ રબારી સમાજ અગ્રણી નાજાભાઈ ચોપરા સહિતના આગેવાનોએ જણાવેલ હતું કે, અમારા ત્રણેય સમાજના 17,551 કુટુંબોને ન્યાય નહીં મળે તો ભાજપ સરકારનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવશે. અમારી માંગણી ભાજપ સરકાર નહીં સ્વીકારે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયેલ છે. અમારા ત્રણેય સમાજના રહેતા પરીવારોના વિસ્તારોમાં ભાજપના આગેવાનો કે કાર્યકરોને પ્રચાર માટે પ્રવેશવા દેવામાં નહીં આવે. આગામી દિવસોમાં વિરોધરૂપી ઝુંબેશ આગળ વધારવામાં આવશે તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...