વેરાવળમાં પત્નીની સારવાર માટે રૂપીયાની જરૂરીયાત ઉભી થતા પેટ્રોલપંપમાં કામ કરતા યુવકએ ભાલકા વિસ્તારમાં રહેતા વ્યાજખોર શખ્સ પાસેથી રૂ. 2.50 લાખની રકમ 30 % ટકા વ્યાજે લીધી હતી અને તેના સીકયુરીટી પેટે સહી કરેલા ચેકો તથા પ્રોમીસરી નોટમાં સહી કરી આપેલી હતી. આ લીધેલ રકમ સામે યુવકે વ્યાજ સહીત રૂ. 24 લાખ 48 હજારની રકમ ચુકવેલ હોવા છતાં વધુ રૂ.15 લાખની વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહ્યો હોવાની પોલીસ સમક્ષ ફરીયાદ કરાઈ હતી. જેના આધારે પોલીસે વ્યાજખોર શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળમાં વ્યાજની બદીમાં ફસાયેલા લોકોને મુકત કરાવવા પોલીસે કમર કસતાં જ વ્યાજખોરોના ચંગુલમાંથી છુટવા લોકો હિંમતભેર સામે આવતા થયા છે. જેમાં શહેર પોલીસે પ્રથમ ગુનો નોંધેલ છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળમાં ડાભોર રોડ ઉપર આવેલા આવાસ યોજનામાં રહેતા અને પેટ્રોલ પંપમાં નોકરી કરતા મનોજ ભીખાભાઇ તન્નાએ બે વર્ષ પહેલા તા.10-8-20ના રોજ પત્નીની ડીલેવરીના સમયે સારવાર માટે પૈસાની જરૂરીયાત ઉભી થતા ભાલકા વિસ્તારમાં રહેતા રાજેશ કાનજી કોટીયા પાસેથી રૂ. 10 હજાર વીસ ટકા વ્યાજે લીધેલા અને આ રકમ સામે રોજનું રૂ.400ના વ્યાજની રકમનો હપ્તો નકકી કરેલો. જે દરરોજ રાજેશ લઈ જતો હતો.
બાદમાં આ રકમ વ્યાજ ભરવામાં જ પુરી થઇ જતા અલગ-અલગ સમયે કુલ રૂ. 2.50 લાખ વ્યાજે લીધેલા. જેની સામે સહી કરેલા પંજાબ નેશનલ બેંકના કોરા ચેક આપેલા. તેમજ પ્રોમીસરી નોટમાં સહી કરી આપી હતી. આ રૂ.2.50 લાખની રકમનું 30 ટકા વ્યાજ ગણતા લીધેલા પૈસા વ્યાજ ચુકવવામાં પુરા થઇ ગયા હતા. બાદમાં રાજેશ કોટીયાએ વ્યાજ સહિત વધુ રૂ.15 લાખ આપવા પડશે તેવું કહી પઠાણી ઉઘરાણી કરતો હતો. જેથી મનોજભાઈએ અન્ય લોકો પાસેથી રકમ લઈ રાજેશને આપેલા અને તેનું જુનુ મકાન જે પાઘડી પેટે હતું. તેની આવેલ રકમ પણ રાજેશને વ્યાજરૂપે ચુકવી અત્યાર સુધીમાં કુલ રૂ. 24 લાખ 48 હજાર આપેલા હતા.
તેમ છતાં રાજેશ હજુ રૂ.15 લાખ બાકી હોવાનું કહીને પઠાણી ઉઘરાણી કરતો હતો. દરમ્યાન હાલમાં છાપામાં સમાચાર વાંચેલા જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોએ પોલીસને જાણ કરવી. જેથી ઉપરોકત વિગતો સાથે મનોજભાઈ તન્નાએ પોલીસ અધિકારી સમક્ષ વર્ણવી હતી. જેના આધારે પોલીસે વ્યાજખોર રાજેશ કોટીયા સામે આઇપીસી કલમ 5, 40, 42 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી તપાસ પીએસઆઇ. અર્ચનાબેન ખુમાણે હાથ ધરી છે. આમ વેરાવળમાં પોલીસે વ્યાજખોરોની સામે મુહિમના શ્રીગણેશ કર્યા છે. જેના પગલે વ્યાજે આપી પઠાણી ઉઘરાણી કરતા શખ્સોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.