ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના હરમડીયા ગામની ગોચરની જમીન પર થયેલ દબાણો દુર કરી ખુલ્લી કરાવવા અંગે ગામના વ્યક્તિએ અરજી કરી હતી. જે અંગે લાંબા સમયથી કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે અરજીકર્તા વ્યક્તિએ ગ્રામ પંચાયતની કચેરીમાં જઈ સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રીને ટાંટીયા ભાંગી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે મહિલા સરપંચે અરજદાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઓફિસમાં અપશબ્દો બોલી ધમકીઓ આપી
રાજ્યમાં ગૌચરની જમીનો ઉપર મોટાપાયે દબાણો હોય જે દુર કરવા અંગે કોઈ કાર્યવાહીમાં તંત્રને રસ ન હોવાના આક્ષેપો વારંવાર થાય છે. ત્યારે આવા જ મામલે ગ્રામ પંચાયતના કર્તાહતાઓને ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા બપોરના સમયે કોડીનાર તાલુકાના હરમડીયા ગામની ગ્રામ પંચાયત ઓફીસમાં સરપંચ કૈલાશબેન બાંભણીયા, ઉપસરપંચના પતિ, તલાટી મંત્રી અને બે એક ગ્રામજનો હાજર હતા. એ સમયે ગામના મનસુખ ભીખાભાઈ ખસીયા ઓફીસમાં આવીને કહેલ કે, આપણા ગામની ગોચરની જમીનમાં દબાણ છે, તે દુર કરેલ અરજી અંગે શું કાર્યવાહી થઈ છે? જેથી તલાટી મંત્રીએ પૈસા ભરવાના હોવાથી હાલ કાર્યવાહી ચાલુ છે. તેમ કહેતા અરજદાર મનસુખ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ ત્યારે ઓફીસમાં હાજર અન્ય લોકોએ સમજાવી શાંત પાડવા પ્રયત્ન કરેલ હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મનસુખે દબાણ દુર નહીં થાય તો તલાટી મંત્રી, સરપંચ તથા ઉપ સરપંચના પગો ભાંગી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હવે તલાટી કમ મંત્રી કેમ નોકરી કરે છે. તેમ કહી જતો રહેલ હતો. બાદમાં મહિલા સરપંચ કૈલાશબેન બાંભણીયાએ અરજદાર મનસુખ ખસીયા સામે ઉપરોક્ત વિગતો સાથે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી નાના એવા ગામ સહિત પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.