તંત્રની સક્રિય કામગીરી:ગીર સોમનાથમાં લમ્પીથી એકપણ પશુનું મોત નહિ, 24 પશુઓમાં રોગ જોવા મળતાં ત્વરીત સારવાર અપાઈ, 8546 પશુઓનું રસીકરણ કરાયું

ગીર સોમનાથ (વેરાવળ)12 દિવસ પહેલા
  • જિલ્લામાં અત્યારે પશુપાલન વિભાગની 6 ટીમો રાઉન્ડ ધ કલોક ફિલ્ડ કામગીરીમાં

સમગ્ર રાજ્યમાં ગૌવંશ અને ભેંસ પશુધનમાં લમ્પી વાયરસનો રોગચાળો પ્રસરી ગયો છે. જેમાં આજની પરિસ્થિતિએ ગીર સોમનાથ જિલ્લાના ચાર ગામોમાં 24 પશુઓમાં લમ્પી ડીસીઝની અસરો જોવા મળતા સારવાર આપવામાં આવી રહી છે. હજુ સુધી જિલ્લામાં આ વાયરસના કારણે એક પણ પશુનું મૃત્યુ થયું નથી. જિલ્લામાં 6 ટીમો દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં કરવામાં આવી રહી હોવાથી 8546 પશુઓનું રસીકરણ કરાઈ ચુક્યું છે.

ચાર ગામોમાં કેસ સામે આવ્યા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના પશુઓમાં લમ્પી ડીસીસીની અસરો હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગે પશુઓને વાયરસથી બચાવવા કામગીરી શરૂ કરી છે. જે અંગે માહિતી આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડો.ડી.એમ. પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 2.06 લાખ ગૌવંશના અને 1.86 લાખ ભેંસ વંશના મળી કુલ 3.92 લાખ પશુધન છે. અત્યાર સુધીમાં જિલ્લામાં શંકાસ્પદ અનેક ગૌવંશ પશુઓના સેમ્પલ લેવામાં આવેલ તે પૈકીના 24 પશુઓમાં લિમ્પી ડીસીસી રોગ જોવા મળ્યો છે.

અસરગ્રસ્ત ગામોમાં રસીકરણને પ્રાધાન્ય
જેમાં જિલ્લાના પ્રભાસપાટણમાં 9, સીંગસરમાં 9, પ્રાસલીમાં 2 તથા પ્રાંચીમાં 4 મળી કુલ 24 પશુઓમાં લમ્પી ડીસીસ રોગની અસરો હોવાનું સામે આવ્યુ છે. હાલ તમામ પશુઓને સારવાર આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં પશુપાલન વિભાગની કાર્યરત 6 ટીમો દ્વારા અન્ય પશુઓમાં રોગ વધુ ન ફેલાય તેને લઈ અસરગ્રસ્ત ચારેય ગામો પૈકી સિંગસરમાં 225, પ્રાસલીમાં 295, પ્રાચીમાં 270 અને પ્રભાસપાટણમાં 1446 મળી કુલ 8546 પશુધનોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

અસરગ્રસ્ત ગામોમાં પશુઓના રહેઠાણ આસપાસ સફાઈ ઝુંબેશ હાથ ધરી
વધુમાં અધિકારી ડો. ડી.એમ.પરમારએ જણાવેલ કે, હાલ જિલ્લામાં પશુઓને રસીકરણની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પશુઓના ગમાણ અને આસપાસના સ્થળોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. પશુપાલકોમાં લમ્પી સ્કિન ડિસિઝ અંગે જાગૃતિ ફેલાય, તેઓ વધુ માહિતગાર થાય અને રોગચાળો ફેલાતો અટકે ઉપરાંત રસીકરણ માટેની ટીમોનું સુચારૂ આયોજન કરી જ્યાં પશુધન વધુ હોય ત્યાં સક્રિય રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...