અભય હેલ્પલાઈનની સફળ કામગીરી:ગીર સોમનાથમાં એક વર્ષમાં મુશ્કેલીમાં રહેલી 553 મહિલાઓની વ્હારે 181 અભયમની ટીમ આવી

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

ગીર સોમનાથ જિલ્લામાં ગત 2022 વર્ષમાં મુશ્કેલીમાં રહેલા કુલ 553 જેટલી પીડિત મહિલાઓની વ્હારે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે આવીને સમસ્યાઓનું નિરાકરણ લાવવા મદદરૂપ બની. ખરા અર્થમાં રાજય સરકારની મહિલાઓની સુરક્ષા પ્રત્યેની કટિબધ્ધતાને સાર્થક કરી બતાવી છે. સમગ્ર વર્ષ દરમિયાન આવેલા કેસો પૈકીના 70 ટકા કિસ્સાઓમાં સ્થળ ઉપર તેમજ 30 ટકા કિસ્સાઓમાં આગળની કાર્યવાહી માટે 181ની ટીમ પીડિત મહિલાઓને મદદરૂપ બની છે.

રાજય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અભયમ 181 મહિલા હેલ્પલાઈન સેવા ચલાવવામાં આવી રહી છે. આ સેવાનો મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ, સીનીયર સિટીઝન મહિલાઓ એક માત્ર ફોન કરીને મદદ લઈ શકે તે માટે 24 કલાક કાર્યરત રાખવામાં આવી છે. આ સેવાનો અનેકવાર મુશ્કેલીમાં મુકાયેલા તમામ વર્ગની મહિલાઓ લાભ લઈ સુરક્ષિત હોવાનો અનુભવ કરી રહી છે. આ સેવાનો સ્ટાફ મહિલાઓ ઉપર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, વર્કના સ્થળે જાતિય સતામણી, લગ્ન જીવનના વિખવાદો, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ- મેસેજથી હેરાનગતિ, મહિલાઓને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમા મદદરૂપ થવાનો હેતુ છે.

ત્યારે સને 2022ના સમગ્ર વર્ષ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત 181 અભયમ હેલ્પલાઈનની ટીમ 553 પીડિત મહિલાઓની વ્હારે આવી મદદરૂપ બની છે. જેમાં 370 જેટલા કિસ્સાઓમાં સ્થળ ઉપર જ કાઉન્સિલિંગ કરી સમાધાનકારી નિરાકરણ લાવી છે. જયારે 165 કિસ્સાઓમાં પીડિત મહિલાઓની સમસ્યા ગંભીર પ્રકારની જણાતા આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ નિરાકરણ લાવવા મદદરૂપ બની છે. આમ, જિલ્લામાં 181ની ટીમે મુશ્કેલીમાં રહેલી મહિલાઓને મદદરૂપ બની ખરા અર્થમાં સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...