ભાસ્કર વિશેષ:ફિશિંગ વખતે સ્વજન માછીમાર દરિયામાં ગરક થાય અને મૃતદેહ ન મળે તો પૂતળવેલ બનાવી સ્મશાનમાં અંતિમવિધિ કરાય છે

વેરાવળ16 દિવસ પહેલાલેખક: રાજેશ ભજગોતર
  • કૉપી લિંક
  • સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવા તેમજ ભિડિયા કોળી સમાજના લોકોની પરંપરા

રાજેશ ભજગોતર, વજેસિંહ બારડ

આજના સમયમાં વિવિધ સમાજોમાં અલગ અલગ રીતરિવાજો જોવા મળતા હોય છે અને આજે પણ પરંપરા જળવાયેલી છે. માછીમાર સમાજની વાત કરીએ તો આ પરિવારમાંથી કોઈ વ્યકિત દરિયો ખેડવા જાય અને અકસ્માતે દરિયામાં ગરક થાય તથા તેનો મૃતદેહ ન મળે તો તેનું પૂતળવેલ બનાવી સ્મશાનમાં જઈ અંતિમવિધિ કરાઈ છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવા સમાજ તેમજ ભિડિયા કોળી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને વર્ષ દરમિયાન મોટા ભાગનો સમય દરિયામાં જ વિતાવતા હોય છે.

પરિવાર દ્વારા પૂતળવેલ બનાવી અંતિમવિધિ કરાય છે
ફિશિંગમાં જતી વખતે પણ ઈષ્ટ દેવને પ્રાર્થના કરી પોતાના વ્યવસાયની શરૂઆત કરી છે, ફિશિંગ વખતે કુદરતી આફત કે અકસ્માતે કોઈ બનાવ બને અને જો માછીમારનું નિધન થાય બાદમાં મૃતદેહ ન મળે તો પરિવાર દ્વારા પૂતળવેલ બનાવી અંતિમવિધિ કરાય છે. આ અંગે ભિડિયા કોળી સમાજના પટેલ રમેશભાઈ બારિયાએ કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં એક બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી. અને ખલાસી રામજીભાઈ નથુભાઈ બારિયાનો પગ લપસી જતાં તેમનું મોત નીપજ્યું હતું. 10 દિવસ બાદ પણ મૃતદેહ હાથ ન લાગતાં પરિવારે પૂતળવેલ બનાવી સ્મશાનમાં અંતિમવિધિ કરી હતી.

પંચકમાં દર્ભના પૂતળાનો અગ્નિસંસ્કાર થાય
જો સમાજની કોઈપણ વ્યક્તિનું મૃત્યુ સામાન્ય સંજોગોમાં થયું હોય, પણ એ વખતે પંચકના દિવસો હોય તો એ વ્યક્તિને અગ્નિદાહ વખતે 4 દર્ભનાં પૂતળાં બનાવી તેને પણ સાથે જ અગ્નિદાહ અપાય છે. આની પાછળનું લોજિક એ છે કે જો પંચકના દિવસોમાં કોઇના મૃત્યુ વખતે આમ ના કરાય તો બીજા પાંચનું મૃત્યુ થઈ શકે છે.

દર્ભનાં પૂતળાંમાં કઈ કઈ વસ્તુનો કરાય છે ઉપયોગ
પૂતળવેલમાં કેળાંના પાન, ઘઉં અને અડદનો લોટ તેમજ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરાય છે. પૂતળવેલ બરાબર મૃતકના કદ જેવડું જ બને, જેમાં હાથ, પગ, દાંત બનાવાય છે.

અન્ય સમાચારો પણ છે...