રાજય સરકારના બાગાયત વિભાગના તાલાલા ગીરમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો સેન્ટરમાં તાલાલા તાલુકા તથા ગીર સોમનાથ જિલ્લાના જુદા જુદા તાલુકાના વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતો માટે ઉપયોગી છ દિવસીય તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ક્લાઈમેન્ટ ચેન્જના કારણે સતત બદલાતા વાતાવરણ વચ્ચે કેસર કેરીનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તે અંગે ખેડૂતો સાથે ચર્ચા કરી તજજ્ઞોએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા.
બાગાયત વિભાગે ખાસ ખેડૂતો માટે શિબિરનું આયોજન કર્યુ હતું
તાલાલા ખાતે મેંગો સેન્ટર ખાતે યોજાયેલ શિબિર ગીર સોમનાથ જિલ્લા નાયબ બાગાયત અધિકારી એ.એમ.દેત્રોજાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. છ દિવસ સુધી ચાલેલી તાલીમ શિબિરમાં ગીર પંથક સહિત જિલ્લાના 445 ખેડૂતોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં સેન્ટરના પ્રોજેક્ટ ઓફિસર વી.જી.હદવાણી, બાગાયત અધિકારી વિજયભાઈ બારડ, મદદનીશ બાગાયત અધિકારી ડી.ડી.રાઠોડએ અલગ અલગ વિષયો ઉપર કેરીના ઉત્પાદક ખેડૂતો સાથે ચર્ચાઓ કરી જરૂરી તાલીમ આપી હતી. અંતમાં વિચાર ગોષ્ઠિ કરી ખેડૂતોના પ્રશ્નોના સંતોષજનક જવાબો તજજ્ઞોએ આપ્યા હતા.
શિબિરમાં અનેક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું
આ તાલીમ શિબિર દરમ્યાન આંબા પાકની ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ અંગે, નવીનીકરણ, સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન અંગે, સંકલિત પોષણ અને પિયત વ્યવસ્થાપન અંગે, આંબા પાકમાં મશીનીકરણ જેવા વિષયો ઉપર તજજ્ઞોએ ખેડૂતોને ઉપયોગી વૈજ્ઞાનિક માહિતી આપી હતી. આ ઉપરાંત બદલાતા વાતાવરણમાં કેરીનું ઉત્પાદન કેમ વધારવું? તે અંગે ખેડૂતો સાથે સઘન ચર્ચા-વિચારણા કરી તજજ્ઞોએ ઉપયોગી માહિતીસભર વિગતો જણાવી માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.