કામગીરી:ડો.ચગ કેસમાં ફરિયાદ ન લેવાતા IG, SP, PIને હોઈકોર્ટની નોટીસ

વેરાવળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના પુત્રે વેરાવળ સીટી પોલીસમાં ફરિયાદ આપી’તી, 28ના હાજર રહેવા જણાવાયું

વેરાવળનાં ડો.અતુલ ચગે ગત 12 ફેબ્રુ.ના સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. જેમાં હું નારણભાઈ તથા રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું એમ લખ્યું હતું. ડોક્ટરના પુત્ર હિતાર્થે 17 ફેબ્રુ.ના વેરાવળ સિટી પોલીસમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચૂડાસમા અને તેના પિતા નારણભાઇ ચૂડાસમા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી.

બાદ પોલીસે ફરિયાદ ન લેતા 22 ફેબ્રુ.ના ગુજરાતના ડીજીપી, જૂનાગઢ રેન્જ આઇજી, ગીર-સોમનાથ એસપી, ડીવાયએસપીને મેઈલ દ્વારા જાણ કરાઈ હતી કે, વેરાવળ સિટી પીઆઇને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ફરિયાદ દાખલ કરવા હુકમ કરો અન્યથા અમારે અહીંના અધિકારીઓ સામે હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ ઓફ કોર્ટ દાખલ કરવી પડશે. એફઆઇઆર દાખલ ન થતાં વેરાવળ સિટી પીઆઇ સુનીલ ઈશરાણી, ડીવાયએસપી વી.આર.ખેંગાર, એસપી મનોહરસિંહ જાડેજા, રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા વિરૂદ્ધ હાઈકોર્ટના એડવોકેટ રાજેશ કાનાણી તેમજ સિનિયર કાઉન્સિલ યોગેશભાઈ લાખાણી દ્વારા કોર્ટ ઓફ કન્ટેમ્પટની એપ્લિકેશન ફાઈલ કરાઈ હતી.

જેની પ્રથમ સુનવણી ગત 13 માર્ચના રખાઈ હતી. ત્યારબાદ વધુ વિગતો એકઠી કરી ફરી ગત 15ના રોજ સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલ દ્વારા કોર્ટ પાસેથી પોલીસ દ્વારા એફઆઇઆર કરવી કે ન કરવી તે અંગે 2 દિવસનો સમય મંગાયો હતો. જેને કોર્ટ દ્વારા નકારી ચારેય અધિકારીઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલંઘન કરવા કંટેમ્પટ ઓફ કોર્ટ શા માટે ન કરવી એવી નોટીસ ઇસ્યુ કરી છે અને આગામી તા.28ના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...