સંવેદનશીલ ગીર સોમનાથ જિલ્લાના દરીયાકિનારા ઉપરથી સર્ચ ઓપરેશનના ત્રીજા દિવસ સુધીમાં બિનવારસુ હાલતમાં નશીલા પદાર્થોના વધુ 73 પેકેટો મળી આવતા અત્યાર સુધીમાં કુલ 273 પેકેટો પોલીસને મળી આવ્યા છે. જેમાં 273 કિલો જેટલી નશીલો પદાર્થ છે. તો મળી આવેલ પદાર્થ ચરસ હોવાનું FSLના પ્રાથમિક રીપોર્ટમાં જણાયેલ હોય ફાઈનલ રીપોર્ટની રાહ છે. આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
સોરઠના જિલ્લાઓ ડ્રગ્સ માફિયાઓની નવી પસંદ બન્યા
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરીયાકાંઠેથી દેશમાં નશીલા પદાર્થો ઘુસાડવા માટે ડ્રગ માફિયાઓ સક્રીય થયા હોય તેમ સુરક્ષા એજન્સીઓએ કરોડોની કિંમતનો જથ્થો પકડી પાડ્યો છે. ત્યારે હવે ડ્રગ માફિયાઓએ નશીલા પદાર્થો ઘુસાડવા સોરઠના જિલ્લાઓના દરિયાકાંઠા તરફ નજર રાખી સક્રીય થયા છે કે કેમ તેની ચર્ચાઓ થઈ રહી છે.
ત્રણ દિવસથી સતત મળી રહ્યા છે નશીલા પેકેટ્સ
ત્યારે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં વેરાવળ-સોમનાથથી લઈને સુત્રાપાડા ધામળેજ બંદર સુધીના દરીયાકાંઠેથી શંકાસ્પદ નશીલા પદાર્થોના પેકેટો મળી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસે 160 અને બીજા દિવસે 40 ત્યારબાદ ત્રીજા દિવસે સુત્રાપાડા-ધામળેજ બંદર વચ્ચેના કાંઠાના વિસ્તારમાંથી વધુ 73 પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. આમ, ત્રણ દિવસમાં નશીલા પદાર્થોના કુલ 273 પેકેટો મળી આવ્યા છે. જેમાં 273 કિલો જેટલા પદાર્થ છે. આ પદાર્થ અંગે FSL પાસે કરાવેલ પરીક્ષણમાં ચરસ હોવાનું પ્રાથમિક રીપોર્ટમાં સામે આવેલ છે. હજુ ગાંધીનગરથી આવનાર એક રીપોર્ટની રાહ હોવાનું એએસપી ઓમપ્રકાશ જાટએ જણાવેલ છે. આ મામલે સાંજ સુધીમાં એક ગુનો નોંધવા પણ તજવીજ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
હજી વધુ પેકેટ્સ મળવાની શંકા
સંવેદનશીલ ગીર સોમનાથ જિલ્લાના લાંબા દરીયાકાંઠે આજે ત્રીજા દિવસે પણ ATS ના માર્ગદર્શન હેઠળ એએસપી ઓમપ્રકાશ જાટના નેતૃત્વમાં SOG ના પીઆઈ એસ.એલ. વસાવા, LCBના કે.જે.ચૌહાણ, મરીનના પીઆઈ એન.જી.વાઘેલા સહિત સ્થાનીક પોલીસની 10 ટીમો સર્ચ ઓપરેશન કરી રહી હતી. તો આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ પણ જોડાઈને હેલિકોપ્ટરની મદદથી સર્ચ પેટ્રોલીંગ કરી રહ્યુ છે.જેમાં હજુ સાંજ સુધીમાં વધુ પેકેટો મળવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.