કોળી સમાજના મતદારો બહુમતીમાં:ગીર સોમનાથના સાંસદ ચુડાસમાએ સમાજના કાર્યકરો-આગેવાનોને ટકોર કરી; કહ્યું- જ્ઞાતિવાદમાંથી બહાર આવી ભાજપને વિજય બનાવો

ગીર સોમનાથ (વેરાવળ)3 મહિનો પહેલા

ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો ઉપર બહુમતી મતદારો ધરાવતા કોળી સમાજના મતદારોને તેમના જ સમાજમાંથી આવતા એવા જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા જાહેરમંચ ઉપરથી સમાજના કાર્યકરો આગેવાનોને ટકોર કરી જ્ઞાતિવાદમાંથી બહાર આવીને ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરી રહ્યા છે. આવી અપીલ છેલ્લા અઠવાડીયા દરમ્યાન સોમનાથ બેઠકના શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયોના પ્રારંભ પ્રસંગે કરી હતી. આવી અપીલ કરવા પાછળનું એક કારણ એવું છે કે, ગત 2017ની વિધાનસભા ચુંટણીમાં જ્ઞાતિવાદના કારણે જિલ્લાની ચારેય બેઠકો ઉપર ભાજપને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વાતનો સાંસદે જ બેક વર્ષ પૂર્વે યોજાયેલા એકે જાહેર કાર્યક્રમમાં ખુલ્લો સ્વીકાર કરતા જણાવ્યું હતું.

જ્ઞાતિવાદના જોરનો ભય
વિધાનસભાની ચુંટણીના મતદાનની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવા સમયે ગીર-સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો ઉપર વિજય મેળવવા ભાજપ જોર કરી રહ્યુ છે. ભાજપને જિલ્લાની ચારેય બેઠકો ઉપર જ્ઞાતિવાદના જોરનો ભય પણ સતાવી રહ્યો હોય તેવા સુચક નિવેદનો કોળી સમાજમાંથી આવતા સાંસદ રાજેશ ચુડાસમાના નિવેદનો ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યુ છે. જેમાં જોઈએ તો છેલ્લા અઠવાડીયા દરમ્યાન સોમનાથ બેઠકના શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયોના ઉદઘાટન પ્રસંગે સાંસદે કરેલ પ્રવચન ઉપરથી ચિતાર મળી રહ્યો છે.

જ્ઞાતિવાદના કારણે બેઠકો ગુમાવવી પડી
બંન્ને કાર્યક્રમોમાં સાંસદ રાજેશ ચુડાસમાએ કરેલ પ્રવચનમાં કોળી સમાજના આગેવાનો અને લોકોને વિનંતી કરતાં કહેલું કે, વર્તમાન સમયની રાજનીતી અને પ્રવાહમાં જો સમાજ સાથે નહીં ચાલે તો આવનારા સમયમાં એમને પણ ભોગવવાનો વારો આવશે તેવું સમાજના દિકરા તરીકે હું કહું છું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સાત સાત બેઠકો હારવાનો કાળો ડાઘ મારા માથા ઉપર હોવા છતાં ભાજપે મારા ઉપર વિશ્વાસ અંકબંધ રાખીને 2019ની ટીકીટ આપેલ ત્યારે મારા સમાજએ મતો આપી મને જંગી બહુમતીથી વિજયી બનાવ્યો હતો. મારી આ વાતને મારા સમાજના લોકો ગંભીરતાથી લઈ અને આવનારા સમયમાં જો સમાજમાં મજબુત નેતૃત્વ ઉભુ કરવુ હોય તો તમારે યોગ્ય નિર્ણય કરવો પડશે. જો અન્ય સમાજ જેવું મજબુત નેતૃત્વ આપણા સમાજનું ઉભું કરવું હોય તો એક વખત ભાજપને મત આપી વિજય બનાવજો. જ્ઞાતિવાદના કારણે સમાજના પ્રતિનિધિઓની સંખ્યા વધી જશે પરંતુ મજબુત નેતૃત્વ પેદા ન થઈ શકે. ગત 2017 ની ચુંટણીમાં કયાંક ને ક્યાંક જ્ઞાતિવાદના કારણે આપણે જિલ્લાની ચારેય બેઠકો ગુમાવવી પડી હતી. તે વાત ધ્યાનમાં લેવા સુચક અપીલ કરી હતી.

જ્ઞાતિવાદના કારણે ભાજપને નુકસાન થયું
અત્રે નોંધનીય છે કે બેક વર્ષ પહેલા સોમનાથ સાનિધ્યમાં ભાલકા તીર્થ ખાતે ભાજપ સમર્થીત આહીર સમાજનું સંમેલન મળ્યુ હતું. જેમાં ઉદ્દબોધન કરતા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવેલું કે, 2017ની ચુંટણીમાં ટીકીટ ફાળવણીમાં આહીર અને કોળી સમાજને એક પણ ટીકીટ આપી ન હોવાનો મેસેજ હતો. જેની સામે કોંગ્રેસે એક બે ટીકીટો વધુ આપી હતી. ત્યારે પરીણામ આવતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપનો સફાયો થયો હતો. આ પરીણામોને લઈ ભાજપની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં પ્રદેશના નેતાઓએ સવાલ કે તમે સાતે સાત બેઠકો કેમ હારી ગયા? જેનો જવાબ આપતા કહેલું કે, માંધાતા (કોળી), મુરલીધર (આહીર યાદવ) અને મુસ્લીમો એક થઈને કોંગ્રેસ તરફી ચાલ્યા ગયા હોવાથી આવું પરીણામ આવ્યુ છે. આમ ગત ચુંટણીમાં ચાલેલા જ્ઞાતિવાદના કારણે ભાજપને નુકસાન થયું હોવાનું સાંસદે ખુદ જાહેરમંચ ઉપરથી સ્વીકાર કર્યો હતો.

કોળી સમાજના મતદારો બહુમતીમાં
ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના ચારેય બેઠકો ઉપર કોળી સમાજના મતદારો બહુમતીમાં હોવાની સાથે પ્રથમ ક્રમે આવે તેટલા પ્રભાવી સંખ્યામાં મતદારો ધરાવે છે. આ કારણે ચારેય સીટ ઉપર કોળી સમાજનું એક તરફી મતદાન હાર- જીતના ગણિતને પલટો મરાવી દેનારૂ છે. રાજકીય વિશ્લેષકોના મતે કોળી સમાજ જિલ્લાની કોઈપણ સીટ ઉપર કોઈ પક્ષે એક તરફી મતદાન કરે તો તે પક્ષના વિજય રથને રોકવો અન્યો માટે અઘરૂ બની જાય છે. તેમાં પણ કોળી સમાજની સાથે અન્ય કોઈ સમાજ આવી જાય તો તેને હરાવવું વિરોધીઓ માટે અઘરૂ બની જાય છે. આ વખતની ચુંટણી પ્રચારમાં સાંસદ રાજેશ ચુડાસમા પોતાના સમાજને જ ઉપરા છાપરી સુચક નિવેદનો સાથે અપીલ કરી રહ્યા છે તેની કેવી અસર મતદાનમાં થાય છે તે પરીણામ આવ્યા બાદ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...