4 શખ્સો જિલ્લામાંથી હદપાર:કોડીનારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ચાર શખ્સોને બે મહિના માટે જિલ્લામાંથી હદપાર કરાયા

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં ઘણા સમયથી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ચાર શખ્સોને બે મહિના માટે જિલ્લામાંથી હદપારી કરવાનો ડીવીજનલ મેજિસ્ટ્રેટએ હુકમ કર્યો હતો. જેને લઈ કોડીનાર પોલીસે ચારેય શખ્સોને પકડી પાડી હુકમની બજવીણી કરી જિલ્લામાંથી હદપાર કરવાની કાર્યવાહી કરી છે. પોલીસની આ કાર્યવાહીના પગલે દારૂની પ્રવૃત્તિઓ કરતા લોકોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.

ગીર સોમનાથ પોલીસે દારૂના વેચાણને ડામી દેવા કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કોડીનાર પંથકમાં દારૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરી છે. જેની પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર સહિત આસપાસના પંથકમાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિમાં સંડોવાયેલ (1) મયુર રાયસીંગ સોલંકી રહે.સીંધાજ, (2) મહિપતસિંહ ઉર્ફે મુન્ના માધુભાઈ પરમાર રહે.સીધાજ, (3) રમેશ ઉકાભાઇ વંશ રહે.વડનગર, (4) નવલ નાનાભાઇ અજાબીયા રહે.કડવાસણ તા.કોડીનાર વાળાઓ સામે હદપારી ધારા હેઠળ કાર્યવાહી કરવા પીઆઈ એ.એમ. મકવાણાએ દરખાસ્ત તૈયાર કરી ડીવાયએસપી- વેરાવળ મારફતે સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ-ઉના સમક્ષ મોકલેલ હતા.

જેના ઉપરથી આ ચારેય શખ્સોની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવો જરૂરી જણાતું હોવાથી સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટે ચારેય શખ્સોને બે મહિના માટે ગીર સોમનાથ જિલ્લાના હદ વિસ્તારમાંથી હદપાર કરવાનો હુકમ કરેલો હતો. જેના આધારે કોડીનાર પીઆઈ એ.એમ. મકવાણાએ સ્ટાફને સુચના આપતા ગુનાહિત પ્રવૃત્તિ કરતા ચારેય શખ્સોને પકડી પાડીને જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલા છે. પંથકમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો સામે આવી જ કડક કાર્યવાહી કરવાનું ચાલુ રહેશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...