ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જામવાળા રાજમાર્ગ ઉપર મોડીરાત્રીના એક સાથે ચાર સિંહો લટાર મારતા જોવા મળતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. આ વિસ્તારના ખેડુતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. રાજમાર્ગ ઉપર લટાર મારી રહેલા ચાર સિંહોના દૃશ્યો કોઈ વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા, જેનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે.
સિંહો લટાર મારી રહ્યાના દૃશ્યો કેદ
તાજેતરમાં જ વેરાવળ શહેરના સીમાડે સિંહ આંટાફેરા કરતા જોવા મળ્યા હતાં. ત્યાં ફરી કોડીનારના હાઈવે ઉપર એક સાથે ચાર સિંહો લટાર મારતા જોવા મળ્યા છે. જે અંગે જાણવા મળેલી વિગતો મુજબ, ગઈકાલે મોડીરાત્રીના કોડીનાર-જામવાળા હાઈવે ઉપર છાછર ગામના પાટીયા નજીક વાડી વિસ્તાર તરફથી એક સાથે ચાર સિંહો રોડ ઉપર ચડી આવ્યા હતાં. બાદમાં રોડ ઉપર ઘણો સમય સુધી સિંહો લટાર મારી રહ્યાં હોવાથી વાહન વ્યવહાર થંભી ગયો હતો. બાદમાં સિંહો ખેતરો તરફ ચાલ્યા ગયા હતાં. એ સમયે કોઈ વાહન ચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં ચાર સિંહો લટાર મારી રહ્યાના દૃશ્યો કેદ કરી લીધા હતા, જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.
સિંહો છાશવારે ખોરાક અથવા પાણીની શોધમાં આવે છે
હાઈવે ઉપર એકી સાથે ચાર ચાર સિંહો લટાર માર્યા બાદ ખેતરો તરફ નીકળી ગયાના સમાચારના પગલે ખેડુતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. જો કે, આ વિસ્તારમાં સિંહોના મોટા ગ્રુપે રહેઠાણ બનાવ્યું હોવાથી છાશવારે ખોરાક અથવા પાણીની શોધમાં માનવ વસાહત વાળા વિસ્તારોમાં તથા મુખ્ય રાજમાર્ગો ઉપર સિંહો આવી ચડેલા જોવા મળતા હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.