નારાજ કાર્યકરોને રીઝવવાનો પ્રયાસ:ગીર સોમનાથ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ પદે પૂર્વ મંત્રીના પુત્ર દિલીપસિંહ બારડની વરણી કરાઈ

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં સોમનાથ અને તાલાલા સીટ ઉપર પ્રબળ દાવેદારી નોંધાવનાર પૂર્વ મંત્રીની ટિકિટ કાપી નાંખી જિલ્લા ભાજપ પ્રમુખને મેદાનમાં ઉતાર્યા હતા અને આ નિર્ણયથી નારાજગી પ્રવર્તી હતી. જો કે, દિગ્ગજ નેતાની ટિકિટ કાપવાથી ચૂંટણીમાં નુકસાન થવાની ભીતિ હોય જેને ખાળવા માટે પ્રદેશ ભાજપના શીષ નેતૃત્વએ આજે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે પૂર્વ મંત્રીના પુત્રની જિલ્લા ભાજપના કાર્યકરી પ્રમુખ પદે વરણી કરી છે.

ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલ કામગીરી
સોમનાથ બેઠક ઉપર પૂર્વ મંત્રી એવા ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશા બારડે પ્રબળ દાવેદારી નોંધાવી હતી. દરમિયાન ટિકિટ પસંદગીમાં મોવડી મંડળએ તેમની દાવેદારી નકારીને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા હતા. આ નિર્ણય સામે પુર્વ મંત્રીના ટેકેદારો અને સમાજમાં રોષ સાથે નારાજગી પ્રવર્તી હતી. જે ચૂંટણીમાં ભારે પડી શકે તેવું રાજકીય વિશ્લેષકો અનુમાન વ્યક્ત કરી રહ્યા હતા. જે દરમિયાન આ નારાજગીનો ફાયદો લેવા માટે અન્ય રાજકીય પક્ષો સક્રીય થઈ પૂર્વ મંત્રી જશા બારડનો સંપર્ક સાધી તેમની તરફ લાવવા માટે મથી રહ્યા હોવાની આજે સવારથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી.

દિલીપસિંહ બારડ
દિલીપસિંહ બારડ

જશા બારડના પુત્રની ભાજપના કાર્યકારી પ્રમુખ પદે વરણી
આ દરમિયાન આજે મોડી સાંજે ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે પુર્વ મંત્રી જશા બારડના પુત્ર દિલીપસિંહ બારડની ગીર સોમનાથ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ પદે વરણી કરી હોવાની અખબારી યાદી મારફત જાહેરાત કરી છે. પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવેલ આ નિર્ણય પાછળ અનેક પરીબળો જવાબદાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં ખાસ તો જિલ્લાની સોમનાથ અને તાલાલા બંન્ને બેઠકો ઉપર પૂર્વ મંત્રી જશા બારડનું સારું એવું પ્રભુત્વ હોય જેથી તેમની અને તેમના ટેકેદારોની નારાજગી ભાજપને ચૂંટણીમાં ભારે પડી શકે તેવી સંભાવનાઓ વર્તાતી હતી. જેને ધ્યાને લઈ તથા ચૂંટણીમાં પૂર્વ મંત્રી અને તેનું જૂથ સક્રિય રીતે ભાજપને જીતાડવા મહેનત કરે તે માટે તેમના પુત્રને જિલ્લા પ્રમુખ પદે વરણી કરવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...