આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાતે આવેલા દક્ષિણ અમેરીકી દેશ સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ દેવાધિદેવ સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ પહેલા સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્મા સહિત મહાનુભાવોએ ગીતામંદિર હેલિપેડ ઉપર રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
મોમેન્ટો આપી, શાલ ઓઢાડી સન્માન કર્યું
સોમનાથ મંદિરમાં સૌ પ્રથમ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ પુષ્પહારથી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ હતું. ત્યારપછી શરણાઈની સૂરાવલી સાથે સોમનાથના પંડિતો અને સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સુરીનામના રાષ્ટ્રપતિનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રાષ્ટ્રપતિના હસ્તે સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. જે પછી તેમણે દેવાધિદેવ મહાદેવને ધ્વજારોહણ પણ કર્યું હતું. જ્યારે સોમનાથ મંદિરના ટ્રસ્ટી જે.ડી. પરમારે મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
દેશવાસીઓ માટે આશીર્વાદ અને સમૃદ્ધિ મળશે
આ તકે રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ સોમનાથ મંદિરની મુલાકાત પુસ્તિકામાં પ્રતિભાવ લખતા જણાવ્યુ હતુ કે, મને મળેલા સત્કાર, મિત્રભાવના અને પ્રાર્થનાઓ માટે સુરીનામની સરકાર અને સુરીનામના નાગરિકવતી હું બધાનો આભાર વ્યક્ત કરૂં છું. અહીંની પ્રાર્થનાઓથી મારા દેશ અને દેશવાસીઓ માટે આશીર્વાદ અને સમૃદ્ધિ મળશે.
અધિકારીઓ સાથે રહ્યાં
આજની રાષ્ટ્રપતિની સોમનાથ મુલાકાત દરમિયાન મંત્રી જગદિશ વિશ્વકર્મા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જીએમ વિજયસિંહ ચાવડા, અધિક કલેક્ટર બી.વી. લિંબાસિયા સહિતના અધિકારીઓ સાથે રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.