કડકડતી ઠંડીનો લાભ લઈને વેરાવળની અલીભાઇ સોસાયટીમાં રહેતા અને લગ્ન પ્રસંગમાં બહાર ગયેલા વેપારીના મકાનને રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવીને 21 તોલા સોનાના દાગીના, રૂ.1.25 લાખની રોકડ તથા ચેક બુકો જેવા અગત્યના ડોક્યુમેન્ટો સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. આ ઘરફોડીની ઘટનાને અંજામ આપીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા ચકચાર પ્રસરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘરફોડી ચોરી અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળની અલીભાઇ સોસાયટીમાં પારેખ ગલીમાં રહેતા વેપારી મહમદહુસેન ફારૂકભાઇ અને તેમના પુત્રો દુકાને હતા. બાકીના પરિવારજનો લગ્ન પ્રસંગે ઘર બંધ કરી બહાર ગયા હતા. બાદમાં સાંજથી લઈને મોડીરાત્રી સુધી બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મકાનની છત ઉપરથી સીડી રૂમ મારફતે ઘરમાં પ્રવેશ કરી રૂમના કબાટમાં રહેલા 21 તોલા સોનાના દાગીના, રૂ.1.25 લાખ રોકડા તેમજ બેંકની પાસબુક, પાસપોર્ટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મોટર સાયકલની આર.સી.બુક, ડ્રાઇવિંગ લાયસન્સ સહીતના અગત્યના કાગળો સહિતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.
મોડીરાત્રીના વેપારીનો પરીવાર પ્રસંગમાંથી પરત ફર્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેને લઈ વેપારી ફારૂકભાઈની ઉપરોક્ત વિગતોના આધારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘરફોડ ચોરીને લઈ પીઆઈ સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ તસ્કરોને ઝડપવા માટે સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.