જગતનો તાત ચિંતાતુર બન્યો:તાલાલા ગીર પંથકમાં ખાતરની અછતના કારણે શિયાળું વાવેતરમાં વિલંબ; જરૂરીયાત પ્રમાણેનો જથ્થો આપવા ખેડૂતોની માગ

ગીર સોમનાથ (વેરાવળ)10 દિવસ પહેલા

તાલાલા ગીર પંથકમાં પાયાના ખાતરની તીવ્ર અછતના કારણે શિયાળું વાવેતર થઈ શકતું નથી, જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ વર્ષે તાલાલા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હોવાથી ખેડૂતો દ્રારા ઘઉં, ચણા, ધાણા સહિતનવા શિયાળું પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવા તૈયારી કરી રહ્યા છે. પરંતુ આ પાકોના વાવેતર માટે જરૂરી એવા ડી.એ.પી. તથા એન.પી.કે અને યુરીયા પાયાના ખાતરની ગીર પંથકમાં તીવ્ર અછત હોવાના કારણે શિયાળું પાકોના વાવેતરનું કાર્ય વિલંબમાં મુકાઈ જતા જગતના તાત ચિંતાતુર બન્યા છે.

શિયાળું પાકોનું વાવેતર કરવામાં ખેડૂતોને મુશ્કેલી
તાલાલા ગીર પંથકમાં ડિલરો ઉપરાંત તાલુકામાં આવેલ 17 સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને ખાતરનું વિતરણ કરવામાં આવે છે. તાલાલા પંથકની બધી જ સંસ્થાને એન.પી.કે તથા ડી.એ.પી. અને યુરીયા સહિત પાયાના ખાતરની ઘણી જરૂરીયાત રહે છે, પરંતુ હાલ ખાતરનો જથ્થો પુરતાં પ્રમાણમાં આવી રહ્યો નથી. જેના કારણે શિયાળું પાકોનું વાવેતર કરવામાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાતરનો જથ્થો પુરો પાડવા ખેડૂતોની માંગણી
તાલાલા પંથકના ખેડૂતો ઘણા દિવસોથી પાયાનું ખાતર મેળવવા ડિલરો તથા મંડળીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ખાતર મળતું નથી. જેથી ચિંતાતુર બનેલા ખેડૂતોએ શિયાળું વાવેતર કરવા માટે ગીર પંથકની જરૂરીયાત મુજબનો ખાતરનો જથ્થો તાત્કાલીક ધોરણે સમયસર મળી રહે તે માટે લાગતા વળગતા જવાબદાર તંત્રના અધિકારીઓ ઘટતી કાર્યવાહી કરે તેવી ખેડુતોમાંથી પ્રબળ માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...