ગૌવંશોને લમ્પીના કહેરથી મુક્ત કરવા આરાધના કરાઈ:સોમનાથ સાનિધ્યે સોમપુરા બ્રહ્મ સમાજના યુગલોએ અતિ કઠિન એવું પ્રાચીન ગૌત્રાદ વ્રતનું અનુષ્ઠાન કર્યું

ગીર સોમનાથ (વેરાવળ)18 દિવસ પહેલા

સોમનાથ સાનિધ્યે પ્રભાસતીર્થના સોમપુરા બ્રહ્મ સમાજના યુગલો દ્વારા અતિ કઠિન એવા પ્રાચીન ગૌત્રાદ વ્રતનું અનુષ્ઠાન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગૌવંશ જીવલેણ એવા લમ્પી વાયરસના કહેરમાંથી મુક્ત થાય તે માટે પણ ખાસ આરાધના ભુદેવો દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત માં એકમાત્ર પ્રભાસતીર્થમાં પરંપરાગત ગૌત્રાદ વ્રત રાખી ગૌમાતાની આરાધના કરાઈ છે.

આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં વ્રતોનું અનેરું માહત્મ્ય રહેલું છે. તેમાં પણ અમુક વ્રતો ખુબ જ આકરા હોય છે. પરંતુ પ્રાચીન ઋષિ પરંપરા મુજબ આજે પણ વ્રત પૂજા ઇત્યાદિ સાથે પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવામાં આવી છે. આવું પ્રાચીન વ્રત એટલે " ગૌત્રાદ વ્રત " પુરાણોમાં પણ વ્રતના ઉલ્લેખ સાથે મહિમા વર્ણવામાં આવ્યો છે. ખાસ મહત્વની વાત તો એ છે કે, ગુજરાતમાં માત્ર સોમનાથ સાનિધ્યે પ્રભાસતીર્થમાં જ આ ગૌત્રાદ વ્રતની પ્રાચીન પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે. ભાદરવા સુદ તેરશથી ત્રિદિવસીય આ વ્રતમાં ગૌમાતાનું ખાસ પૂજન અર્ચન થાય છે તો સાથે સતત ત્રણ દિવસ સુધી પાણીનું ટીપું પણ પીધા વિના ભૂખ્યા તરસ્યા આ વ્રત તપ કરવામાં આવે છે.

ખુબજ કઠિન એવા આ પ્રાચીન ગૌત્રાદ વ્રત સોમપુરા બ્રહ્મ સમાજના લોકો પરંપરાગત રીતે રાખી રહ્યા છે. આ વર્ષે 17 જેટલા દંપતીઓએ આ વ્રત રાખ્યું હતું. આ વર્ષે ખાસ પશુધનમાં તેમાં પણ ગૌવંશમાં લમ્પી નામનો ઘાતક વાયરસ પ્રસરી રહ્યો છે, ત્યારે આ જીવલેણ રોગમાંથી ગૌવંશ સહિત તમામ પશુઓને વહેલી મુક્તિ મળે સમાજ સાથે વિશ્વનું કલ્યાણ થાય તે માટે આ વ્રત દરમિયાન ભગવાન ને પ્રાર્થના કરાઇ હોવાનું તીર્થ પુરોહિત મારકન્ડભાઈ પાઠકએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...