વિધાનસભાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટીના તથા અપક્ષ દાવેદારી કરનાર ઉમેદવારોએ ફોર્મ ભરવા લાઈનો લગાવી હોય તેવો તાલ જોવા મળ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના સમર્થનમાં સભાઓ ગજવી, રોડ શો યોજી તથા રેલીઓ કાઢી નામાંકન ભર્યું હતું. આ તકે તમામ ઉમેદવારોએ પોત-પોતાની જીતના દાવાઓ રજૂ કર્યા હતા. જેમાં સોમનાથમાં ભાજપના ઉમેદવારે કેન્દ્રીય મંત્રીની હાજરીમાં તથા આપ પાર્ટીના ઉમેદવારએ પંજાબના મુખ્યમંત્રીની હાજરીમાં રોડ-શો યોજ્યા બાદ નામાંકન કર્યુ હતુ. ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠક ઉપર કુલ 64 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સોમનાથ બેઠક ઉપર કુલ 24, તાલાલા બેઠક ઉપર કુલ 17, કોડીનાર બેઠક ઉપર કુલ 8 તેમજ ઉના બેઠક ઉપર કુલ 15 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
સોમનાથમાં ભાજપ- કોંગ્રેસ-'આપ'ની ઉમેદવારી
જિલ્લાની સાથે રાજ્યમાં સૌથી હોટ સીટ ગણાતી એવી સોમનાથ બેઠક ઉપર ઉમેદવારી નોંધાવતા પહેલા કારડીયા બોર્ડીંગ ખાતે ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં જંગી જાહેર સભા યોજી હતી. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો. બાદમાં રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર, જિલ્લા પ્રમુખ દિલીપસિંહ બારડ, હિરેન બારડ સહિતનાની હાજરીમાં સોમનાથ બેઠકના ઉમેદવાર માનસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ સોમનાથના વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ લોહાણા બોર્ડીંગ ખાતે સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે નામાંકન ભરવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના આગેવાનો નુસરત પંજા, જિલ્લા પ્રમુખ કરશન બારડ, અમુભાઈ સોલંકી સહિતનાની હાજરીમાં વિમલભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનની હાજરીમાં રોડ શો યોજી શહેરના વિવિધ માર્ગે ફર્યા બાદ 'આપ'ના ઉમેદવાર જગમાલ વાળાએ પણ ઉમેદવારી નોંધાવી હતી.
ભાજપ- કોંગ્રેસના ઉમેદવારએ ફોર્મ ભર્યાં
તાલાલા અને કોડીનાર બેઠક ઉપર નામાંકન ભરવા માટે ભાજપના ઉમેદવારો તથા આગેવાનો, કાર્યકરો વેરાવળ માર્કેટીંગ યાર્ડમાં એકત્ર થયા હતા. જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સભા સંબોધીને ભાજપને વિજય બનાવવા આહવાન કર્યું હતું. ત્યારબાદ ઈણાજ ખાતે જિલ્લા સેવા સદન કચેરી ખાતે જઈ ભાજપના આગેવાનોની ઉપસ્થિતમાં તાલાલાના ઉમેદવાર ભગવાન બારડ અને કોડીનારના ઉમેદવાર ડો. પ્રદ્યુમન વાજાએ નામાંકન ભરી ઉમેદવારી નોંધાવી હતી. આ બંન્ને બેઠક ઉપરના કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડીયા અને મહેશ મકવાણાએ પણ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આવી જ રીતે ઉના બેઠક ઉપર સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં રેલી કાઢ્યા બાદ ઉના પ્રાંત કચેરી ખાતે ભાજપના ઉમેદવાર કે.સી. રાઠોડએ ઉમેદવારી નોંધાવી હતી.
મતદારોને આકર્ષવા તમામ પક્ષો પ્રચારમાં
જિલ્લાની ચારેય બેઠકો ઉપર ફોર્મ ભરવાના અંતિમ દિવસે મુખ્ય રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ઉપરાંત અપક્ષોએ પણ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવવા માટે ઉમટી પડતા ઘસારો જોવા મળતો હતો. આજે ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો પોત-પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે હવે મતદાનની આડેના ગણતરીના દિવસોમાં મતદારોને આકર્ષવા તમામ રાજકીય પક્ષો પ્રચારમાં પોતાની તાકાત ઝુકાવશે.
ચારેય બેઠકો પર કમળનો આશાવાદ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્થાનીક જુથબંધી કે નેતાઓની નારાજગી મુદે કહ્યું હતું કે, ભાજપમાં આંતરિક જૂથ વાદ છે જ નહીં અહીં સૌ એક થઈને ચુંટણી લડે છે. જેમાં સોમનાથમાં ટીકીટ મંગનારા નેતાઓ અને જેને નથી મળી તે તમામ આગેવાનો આજે એક મંચ ઉપર સાથે ઉપસ્થિત છે. આ સાથે કોંગ્રેસ અને આપ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના કાર્યકરોની મહેનત અને સરકારના કામોથી જનતા જનાર્દન જિલ્લાની ચારેય બેઠકો ઉપર કમળ ખીલવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.